સીમાંકન બિલને લઈને રાજકીય હલચલ તેજ: NCP (SP) અને DMKના સમર્થનનો દાવો, સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રીપદ આપવાની ચર્ચા
શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP)એ સીમાંકન બિલ મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ, NDTVના અહેવાલ મુજબ, સૂત્રોએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારને સમર્થન આપવાના બદલામાં NCP (SP)ના સાંસદ અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત પાર્ટીએ મહારાષ્ટ્ર સરકારમાં એક કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રી પદોની પણ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં NCP (SP) પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં 10 ધારાસભ્યો અને લોકસભામાં 8 સાંસદો છે. સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી લોકસભામાં અને 2 ડિસેમ્બરથી રાજ્યસભામાં શરૂ થવાનું છે.

DMKએ પણ સીમાંકન બિલને સમર્થન આપવાની જાહેરાત કરી
તમિલનાડુની સત્તાધારી પાર્ટી DMKએ પણ સીમાંકન બિલ અંગે કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. DMK સંસદીય દળની બેઠક બાદ પાર્ટીના સાંસદ એ. રાજાએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી તમિલનાડુનો 7.18 ટકાનો વર્તમાન હિસ્સો જાળવી રાખવા માગે છે.
હાલમાં તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે, જે વધારીને 59 કરવાની માંગ DMK દ્વારા કરવામાં આવી છે.
એ. રાજાના જણાવ્યા અનુસાર, DMK અધ્યક્ષે જરૂરિયાત મુજબ અન્ય સુધારા સૂચવવાની પણ તેમને છૂટ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હતા ત્યારે પણ પાર્ટીનું વલણ આ જ હતું. સીમાંકન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય તે અંગે DMKની માંગમાં કોઈ ફેરફાર થયો નથી.
લોકસભામાં બિલ પસાર કરાવવા માટે 360 સાંસદોના સમર્થનની જરૂર છે. NDA પાસે હાલમાં 320 સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે. DMKના 22 સાંસદો છે. આ ઉપરાંત NDA NCP (SP)ના 8 અને YSRCPના 4 સાંસદોના સમર્થનનો પણ દાવો કરી રહ્યું છે. તેમ છતાં લોકસભામાં બિલ પસાર કરાવવા માટે વધુ 6 સાંસદોના સમર્થનની જરૂર પડશે.
મોદીએ શરદ પવારને કહ્યું હતું- સુપ્રિયા હવે તૈયાર છે, તમે આરામ કરો
NCP (SP)ના પ્રમુખ શરદ પવારને ઉધરસ અને શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 2 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ખબરઅંતર પૂછ્યાં હતાં. આ વાતચીત દરમિયાન મોદીએ પવારને કહ્યું હતું કે, "સુપ્રિયા હવે તૈયાર છે. સુપ્રિયા અને આપણે મળીને દેશ સંભાળીશું. તમે આરામ કરો."
જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે, "હું આરામ કરી રહ્યો છું. જ્યારે તમે બધા સાથે છો, ત્યારે મને દેશની કોઈ ચિંતા નથી."
શરદ પવારના નજીકના સાથી વિઠ્ઠલ મણિયારે મીડિયાને આ વાતચીત વિશે માહિતી આપી હતી. જોકે, શરદ પવાર કે વડાપ્રધાન મોદીએ આ વાતચીતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
શરદ પવારના નિર્ણયથી કોંગ્રેસ નારાજ, રાજ્યસભાની બેઠકનો આપ્યો હવાલો
સીમાંકન બિલ મુદ્દે NCP (SP)ના વલણથી મહારાષ્ટ્ર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને યાદ અપાવ્યું કે આ જ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં શરદ પવારને જીતાડવા માટે કોંગ્રેસે પોતાની બેઠક પરનો દાવો છોડી દીધો હતો.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, તે સમયે NCP (SP) પાસે માત્ર 10 ધારાસભ્યો હતા, જ્યારે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 36 મતોની જરૂર હતી.
કોંગ્રેસે એવો પણ દાવો કર્યો કે સુપ્રિયા સુલેએ પોતાના પિતા શરદ પવાર માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પાસેથી સમર્થન માંગ્યું હતું. ત્યારબાદ મહાવિકાસ અઘાડીએ સર્વસંમતિથી શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું.
હવે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જે શરદ પવાર અને તેમની પાર્ટીને રાજ્યસભામાં જીતાડવા માટે કોંગ્રેસે મદદ કરી હતી, તેઓ હવે ભાજપ સરકારના સીમાંકન બિલને સમર્થન કેમ આપી રહ્યા છે?
રાજ્યસભામાં બિલ પસાર કરાવવા માટે NDA પાસે 11 મતોની અછત
રાજ્યસભામાં NDA પાસે હાલમાં 151 સાંસદોનું સમર્થન છે. ગૃહમાં કુલ 243 સાંસદો મતદાન કરશે. બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 162 મતોની જરૂર પડશે.
આ ગણતરી પ્રમાણે NDAને રાજ્યસભામાં બિલ પસાર કરાવવા માટે હજુ 11 વધારાના મતોની જરૂર છે.
સીમાંકન બિલ પર INDIA અને ભાજપની અલગ-અલગ બેઠકો
સીમાંકન બિલ અંગે ચર્ચા કરવા માટે INDIA ગઠબંધને બેઠક બોલાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં DMK, NCP (SP), બીજુ જનતા દળ અને આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જોકે, મહારાષ્ટ્ર કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે સીમાંકન બિલના મુદ્દે NCP (SP) હવે તેની સાથે નથી. બીજી તરફ DMKએ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. AAP અને બીજુ જનતા દળે હજુ સુધી પોતાનું વલણ જાહેર કર્યું નથી.
બિલ પસાર થશે તો લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 50%નો વધારો થશે
જો સીમાંકન બિલ સંસદમાં પસાર થાય છે, તો લોકસભા અને દેશની તમામ રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થઈ શકે છે.
હાલમાં લોકસભામાં 543 બેઠકો છે. 50 ટકાના વધારા પ્રમાણે આ સંખ્યા વધીને 815 થઈ શકે છે. એટલે કે લોકસભામાં 272 નવી બેઠકો ઉમેરાશે.
બેઠકોની સંખ્યા નક્કી કરવા માટે 1971ની વસ્તીગણતરીનો આધાર લેવામાં આવશે, જ્યારે સંસદીય મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા 2011ની વસ્તીગણતરીના આધારે કરવામાં આવશે.
જોકે, 50 ટકાના વધારાની ગણતરીમાં કેટલાક રાજ્યોની બેઠકોમાં અડધા આંકડા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અડધી બેઠકને પૂર્ણ ગણવામાં આવે તો કુલ બેઠકોની સંખ્યા 824 સુધી પહોંચી શકે છે. પ્રસ્તાવ મુજબ આગામી 25 વર્ષ સુધી બેઠકોની આ સંખ્યા યથાવત્ રહેશે.
બિલ લાગુ થયા બાદ સંભવિત ફેરફારો:
- લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે.
- લોકસભાની બેઠકો વધીને 815 થાય તો મહિલાઓ માટે 272 બેઠકો અનામત રહેશે.
- રાજ્ય વિધાનસભાઓમાં કુલ 6,185 બેઠકો થઈ શકે છે, જેમાંથી 2,042 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
સંસદના વિશેષ સત્રમાં બિલ પસાર કરાવવાની સરકારની તૈયારી
કેન્દ્ર સરકાર 30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન સીમાંકન બિલ પસાર કરાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી પક્ષોને બિલ અંગેની ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે.
બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર બિલ પસાર કરાવવા માટે વિવિધ પક્ષોનું સમર્થન મેળવીને બહુમતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
16 એપ્રિલે સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલમાં વસ્તીના આધારે સીમાંકન કરીને બેઠકો વધારવાની જોગવાઈ હતી. આ પ્રસ્તાવને કારણે અલગ-અલગ રાજ્યો વચ્ચે લોકસભામાં પ્રતિનિધિત્વનું પ્રમાણ બદલાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
હવે નવા પ્રસ્તાવમાં તમામ રાજ્યોની વર્તમાન બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની અને 2051 સુધી રાજ્યો વચ્ચે બેઠકોનું હાલનું પ્રમાણ જાળવી રાખવાની યોજના છે.
એટલે કે નવા પ્રસ્તાવનો મુખ્ય હેતુ લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવાનો છે, પરંતુ એક રાજ્યનો બીજા રાજ્યની સરખામણીએ હાલનો પ્રમાણસર હિસ્સો ઘટાડવાનો નથી.
એપ્રિલમાં 54 મતોના અંતરથી પસાર થઈ શક્યું નહોતું બિલ
મોદી સરકારે 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવીને સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલ રજૂ કર્યા હતા. સરકારનો દાવો હતો કે 2029ની લોકસભા ચૂંટણી સુધી મહિલા અનામત કાયદાનો અમલ કરવા માટે આ બિલ પસાર કરાવવાં જરૂરી છે.
મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 સાંસદોએ મત આપ્યો હતો, જ્યારે 230 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. તે સમયે ગૃહમાં કુલ 528 સાંસદો હાજર હતા.
બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે મતદાનમાં ભાગ લેનારા સાંસદોના બે તૃતીયાંશ સમર્થનની આવશ્યકતા હોય છે. આ પ્રમાણે બિલને ઓછામાં ઓછા 352 મતો મળવા જરૂરી હતા.
જોકે, બિલને માત્ર 298 મત મળતાં તે જરૂરી બહુમતીથી 54 મત પાછળ રહી ગયું હતું અને લોકસભામાં પસાર થઈ શક્યું નહોતું.
લોકસભામાં 40 અને રાજ્યસભામાં 11 વધારાના મતોની જરૂર
લોકસભામાં NDA પાસે હાલમાં 320 સાંસદોનું સમર્થન છે. ત્રણ બેઠકો ખાલી હોવાથી મહત્તમ 540 સાંસદો મતદાનમાં ભાગ લઈ શકે છે. આ સંજોગોમાં બિલ પસાર કરાવવા માટે 360 મતોની જરૂર પડશે. એટલે NDAને હજુ 40 વધારાના મતો મેળવવા પડશે.
બીજી તરફ, રાજ્યસભામાં NDA પાસે 151 સાંસદો છે. કુલ 243 સાંસદોના મતદાનને ધ્યાનમાં રાખતાં બિલ પસાર કરાવવા માટે 162 મતો જરૂરી છે. એટલે અહીં પણ NDAને 11 વધારાના મતોની જરૂર પડશે.
સરકાર સામે બે સંભવિત સ્થિતિઓ ઊભી થઈ શકે છે:
પ્રથમ સ્થિતિ: જો લોકસભાના તમામ 540 સાંસદો મતદાનમાં ભાગ લે છે, તો સરકારને DMK, NCP (SP) અને YSRCPના સમર્થનની જરૂર પડી શકે છે. આ ઉપરાંત અન્ય સાંસદોના સમર્થન અથવા ક્રોસ વોટિંગની પણ આવશ્યકતા રહેશે.
બીજી સ્થિતિ: ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટી (SP) મતદાનથી દૂર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે બિલની વિરુદ્ધ મતદાન કરવાથી ભાજપ આગામી ચૂંટણીમાં તેને રાજકીય મુદ્દો બનાવી શકે છે. જો SPના સાંસદો મતદાનમાં ગેરહાજર રહે, તો બંધારણીય સુધારા બિલ પસાર કરાવવા માટે જરૂરી બહુમતીની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે અને સરકાર માટે બિલ પસાર કરાવવાનો માર્ગ સરળ બની શકે છે.




