રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ અભ્યાસ પ્રવાસ દરમિયાન તમિલનાડુના પવિત્ર યાત્રાધામ રામેશ્વરમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રસિદ્ધ રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
પૌરાણિક કથા અનુસાર, લંકામાં રાવણ પર વિજય મેળવ્યા બાદ ભગવાન શ્રીરામે ભગવાન શિવની આરાધના કરવાનો સંકલ્પ કર્યો હતો. આ માટે તેમણે હનુમાનજીને શિવલિંગ લાવવા મોકલ્યા હતા. જોકે, હનુમાનજીને પરત ફરવામાં વિલંબ થતાં માતા સીતાએ સમુદ્રકિનારાની રેતીમાંથી શિવલિંગની રચના કરી હતી. ત્યારબાદ ભગવાન શ્રીરામે આ શિવલિંગની પૂજા કરી હતી, જે આજે રામલિંગમ તરીકે પૂજાય છે.
રામનાથસ્વામી મંદિર તેની ભવ્ય સ્થાપત્યકલા, વિશાળ મંદિર પરિસર, સુંદર કોતરણી ધરાવતા સ્તંભો અને લાંબા કોરિડોર માટે વિશ્વવિખ્યાત છે. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પણ પ્રતીક છે.




