ઇજિપ્તની રાજધાની કાહિરા નજીક હાઇવે પર બુધવારે રાત્રે તેલના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસનાં અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયાં અને બળીને ખાખ થઈ ગયાં.
ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં છે, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા છે. આગમાં ફસાયેલી કારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલો મુજબ, તેલથી ભરેલો એક ટ્રક ચાલકના કાબૂ બહાર જતાં રસ્તાની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાયો હતો અને ત્યારબાદ પલટી ગયો હતો. આ ટક્કર બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ આસપાસનાં વાહનો સુધી ફેલાઈ ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અકસમાતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ મદદ માટે આગળ આવીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

બચાવ કામગીરી માટે 39 એમ્બ્યુલન્સ તહેનાત
આ ભયાનક દુર્ઘટના કાહિરાના ઉપનગર ઇમ્બાબાના વર્રાક વિસ્તારમાં બની હતી. ટેન્કરમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ અનેક કાર સુધી ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતહ અલ-સીસીએ મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઘાયલોને સારવાર માટે જાયદ સ્પેશિયલાઇઝ્ડ, ઇમ્બાબા જનરલ અને વર્રાક સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે કુલ 39 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી.

જાન્યુઆરીમાં પણ ભીષણ માર્ગ અકસ્માતમાં 21નાં મોત થયાં હતાં
ઇજિપ્તમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવે છે. પૂરપાટ ઝડપે વાહન ચલાવવું, રસ્તાઓની ખરાબ સ્થિતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન આ અકસ્માતોનાં મુખ્ય કારણોમાં સામેલ છે.
આ વર્ષે જાન્યુઆરીમાં પણ બેની સુએફ પ્રાંત નજીક અનેક વાહનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.




