રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, બંગાળમાં છેલ્લા 20 વર્ષ દરમિયાન મતદાર યાદીમાં મૃત્યુ પામેલા લોકોનાં નામનો ઉપયોગ કરીને બોગસ મતદાન કરવામાં આવતું હતું. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામેલા 2.80 કરોડ લોકોનાં નામ સામે આવતાં તેમને મતદાર યાદીમાંથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો મમતા બેનર્જી વિરોધ કરી રહ્યાં છે.
સંબિત પાત્રાના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીના કાર્યકર્તાઓ મૃત્યુ પામેલા લોકોનાં નામે મતદાન કરતા હતા, જેને 'છાપા વોટ' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી 11 વખત SIRની કામગીરી થઈ ચૂકી છે. અગાઉ આ કામગીરી કોંગ્રેસની સરકાર દરમિયાન કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2025માં પ્રથમ વખત ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન SIR હાથ ધરવામાં આવી છે.
રાજકોટ મહાનગર પ્રમુખ નાગરિક ગોષ્ઠી સમિતિ દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરિકો માટે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિપક્ષ દ્વારા કરવામાં આવતા વોટ ચોરીના આક્ષેપોનો જવાબ આપતાં SIRની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને વિપક્ષના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
'વિપક્ષે ભારતની બંધારણીય સંસ્થાઓની મજાક બનાવી'
સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ કેટલાક વિપક્ષી નેતાઓને દેશની આ પ્રગતિ પસંદ નથી. દેશમાં પરિવારવાદને સ્થાન મળતું ન હોવાથી તેમના પરિવારના રાજકીય હિતો આગળ વધી શકતા નથી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષના નેતાઓએ દેશ અને વિદેશમાં ભારતની બંધારણીય સંસ્થાઓની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. લંડન અને અમેરિકામાં જઈને પણ સુપ્રીમ કોર્ટ તથા ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિદેશી નાગરિકોને ભારતમાં આવી લોકતંત્ર બચાવવાની અપીલ કરવામાં આવે છે.
સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ SIRની સમગ્ર પ્રક્રિયાને સમજવાની અને તેના વિશે થઈ રહેલા આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવાની જરૂર છે. આ જ હેતુથી રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
'કોંગ્રેસના શાસનમાં પણ 11 વખત SIRની કામગીરી થઈ હતી'
SIRની કામગીરી અંગે માહિતી આપતાં સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને મતદાર યાદીનું સમયાંતરે શુદ્ધિકરણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મતદાર યાદી સ્વચ્છ અને ચોક્કસ હશે તો જ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બની શકશે. આ જ કારણસર ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરી હાથ ધરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, આ વખતે પહેલીવાર SIRની કામગીરી થઈ રહી હોવાનો વિપક્ષનો દાવો ખોટો છે. દેશમાં અગાઉ પણ 11 વખત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ 1952માં પ્રથમ વખત SIR કરવામાં આવી હતી. ત્યારબાદ 1957, 1961, 1965, 1967, 1983, 1987થી 1989, 1992થી 1993, 1995 અને 2002માં આ કામગીરી કરવામાં આવી હતી. વર્ષ 2002ની કામગીરીનું પરિણામ 2004માં આવ્યું હતું.
સંબિત પાત્રાના જણાવ્યા અનુસાર, વર્ષ 2004 બાદ લગભગ બે દાયકા પછી 2025માં ફરીથી SIRની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વખતે ભાજપના શાસનકાળમાં આ પ્રક્રિયા થઈ હોવાથી વિપક્ષ દ્વારા વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
'મતદાર યાદીમાંથી નામ કપાય તો ફરીથી ઉમેરી શકાય છે'
સંબિત પાત્રાએ વર્ષ 2013માં સંસદમાં SIRની કામગીરી અંગે પૂછાયેલા સવાલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે પણ SIR દરમિયાન 13 લાખ લોકોનાં નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યાં હોવા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, તે સમયે વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવ્યા નહોતા.
તેમણે પૂર્વ મંત્રી કપિલ સિબ્બલના નિવેદનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, SIR એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ મતદારનું નામ યાદીમાંથી દૂર થઈ ગયું હોય તો તે વ્યક્તિ અરજી કરીને પોતાનું નામ ફરીથી ઉમેરાવી શકે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તેમાં ચિંતા કરવાની જરૂર નથી.
'કોઈપણ પ્રકારની વોટ ચોરી થઈ નથી'
વિપક્ષ દ્વારા 13 કરોડ મતની ચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો ખરેખર આટલા મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ હોત તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોત.
તેમણે કહ્યું હતું કે, તેઓ ગત રાત્રે અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી રાજકોટ પહોંચ્યા હતા, પરંતુ રસ્તામાં કોઈએ તેમને વોટ ચોરી અંગે સવાલ કર્યો નહોતો. તેમના મતે, વિપક્ષ માત્ર આક્ષેપો કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તે સાબિત કરી શક્યું નથી.
દિલ્હીમાં વિપક્ષ દ્વારા વોટ ચોરીના મુદ્દે યોજાયેલી રેલીનો ઉલ્લેખ કરતાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, ચોરી જેવી ગંભીર બાબતની ફરિયાદ દરમિયાન નાચ-ગાન કરવામાં આવે તે સમજાતું નથી.
'મમતા બેનર્જીના કાર્યકર્તાઓ મૃતકોના નામે બોગસ મતદાન કરતા હતા'
પશ્ચિમ બંગાળમાં SIRની કામગીરી અંગે વાત કરતાં સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી ત્યાં SIRની કામગીરી થઈ નહોતી. આ વખતે મતદાર યાદીની ચકાસણી દરમિયાન 2.80 કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, મમતા બેનર્જી ઈચ્છે છે કે મૃત્યુ પામેલા લોકોનાં નામ મતદાર યાદીમાં યથાવત્ રહે. કારણ કે, આ નામોનો ઉપયોગ કરીને બંગાળમાં 'છાપા વોટ' કરવામાં આવતા હતા. તેમના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોના બદલે મમતા બેનર્જીના કાર્યકર્તાઓ બોગસ મતદાન કરતા હતા અને તેના આધારે ચૂંટણીમાં જીત મેળવતા હતા.
'જ્યાં સૌથી વધુ નામ કપાયાં ત્યાં TMC અને કોંગ્રેસની જીત થઈ'
SIR દરમિયાન ભાજપના મતદારોનાં નામ વધુ પ્રમાણમાં દૂર કરવામાં આવ્યાં હોવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતાં સંબિત પાત્રાએ પશ્ચિમ બંગાળની કેટલીક વિધાનસભા બેઠકોના આંકડા રજૂ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, સમશેરગંજ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 74,775 મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં હતાં, તેમ છતાં ત્યાં TMCના ઉમેદવારની જીત થઈ હતી. તેવી જ રીતે લાલગોલા બેઠક પર 55,420 મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં હતાં, છતાં ત્યાં પણ TMCનો ઉમેદવાર વિજયી બન્યો હતો.
સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે, આવી લગભગ 20 વિધાનસભા બેઠકોના આંકડાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની બેઠકો પર TMC અને કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હોવાનું સામે આવ્યું હતું. આ આંકડાઓના આધારે તેમણે વિપક્ષ દ્વારા કરવામાં આવતા વોટ ચોરીના આક્ષેપો સામે સવાલો ઉઠાવ્યા હતા.




