ટીલાળા ચોક પાસે ડમ્પરે આંટો મારવા નીકળેલા પિતા-પુત્રીને અડફેટે લીધા
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના નવા 150 ફૂટ રિંગરોડ ઉપર ટીલાળા ચોક પાસે કાળમુખા ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રી રસ્તા પર ફંગોળાયા હતા. આ ઘટનામાં 22 વર્ષે જન્મેલી 7 વર્ષની દીકરીનું પિતાની નજર સામે જ મોત નિપજ્યું હતું. જ્યારે પિતાને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં આધેડ તેમની 7 વર્ષની દીકરીને લઈ આંટો મારવા નીકળ્યા હતા, ત્યારે નવા રિંગરોડ પર ટીલાળા ચોક નજીક ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નં.5માં રહેતાં ભાવેશભાઈ રમણીકભાઈ વખારિયા (ઉ.વ.52) નામના આધેડ આજે સવારે તેની 7 વર્ષની પુત્રી નેતીને લઈ બાઈક ઉપર આંટો મારવા નીકળ્યા હતાં. દરમિયાન 11 વાગ્યાના આસપાસ નવા રિંગરોડ પર મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બાઈકને ઠોકરે લેતાં બાઈક સ્વાર પિતા-પુત્રી રોડ ઉપર ફંગોળાયા હતાં અને પિતાની નજર સામે જ માસુમ પુત્રીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.