Gujarat Now
બ્રેકિંગ
રાશિફળ : ૨૬/૧૧/૨૦૨૬સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રામેશ્વરમ મંદિરમાં કર્યા દર્શન: અભ્યાસ પ્રવાસ દરમિયાન રામનાથસ્વામી જ્યોતિર્લિંગના આશીર્વાદ મેળવ્યારાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત'બંગાળમાં 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ મતદાન થતું હતું': રાજકોટમાં સંબિત પાત્રાનો મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યારાશિફળ : ૨૬/૧૧/૨૦૨૬સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રામેશ્વરમ મંદિરમાં કર્યા દર્શન: અભ્યાસ પ્રવાસ દરમિયાન રામનાથસ્વામી જ્યોતિર્લિંગના આશીર્વાદ મેળવ્યારાજકોટમાં ઉત્તરાયણ પહેલાં પતંગના દોરાએ લીધો યુવકનો જીવ: ઘર નજીક બાઈક પર જતી વખતે ગળામાં દોરો ફસાતાં અતિક ચૌહાણનું મોત'બંગાળમાં 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ મતદાન થતું હતું': રાજકોટમાં સંબિત પાત્રાનો મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યા
📌 Rajkot

ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યા

Gujaratnow3 min read
ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી સાથે ₹1 કરોડની છેતરપિંડી: IPOમાં રોકાણની લાલચ આપી અમદાવાદની મેડાર્ટ કંપનીના માલિક રાજ પટેલે રૂપિયા પડાવ્યા

રાજકોટમાં IPOમાં રોકાણ કરાવવાના બહાને છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા રાજકોટના વેપારીને અમદાવાદના મિત્ર મારફતે મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલનો પરિચય થયો હતો. શેરબજારમાં સારું વળતર અપાવવાની અને મોટી કંપનીના IPOમાં રોકાણ કરાવવાની લાલચ આપી વેપારી પાસેથી રૂ.1 કરોડ મેળવી લીધા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં ન તો IPOમાં રોકાણ કરવામાં આવ્યું કે ન તો રૂપિયા પરત મળ્યા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ મેડાર્ટ કંપનીના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના મિત્ર મારફતે થયો હતો પરિચય

ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી હાર્દિકભાઈ કિશોરભાઈ શિયાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદમાં રહેતા તેમના મિત્ર પાર્થ દોશીએ રાજ પટેલનો પરિચય કરાવ્યો હતો. પાર્થ દોશીએ જણાવ્યું હતું કે, રાજ પટેલ શેરબજારમાં રોકાણ કરે છે અને મોટા IPOમાં નાણાં રોકાવી સારું વળતર અપાવે છે.

ત્યારબાદ બપોરે 3:14 વાગ્યે રાજકુમાર પટેલે વેપારીને વોટ્સએપ કોલ કર્યો હતો. વાતચીત દરમિયાન તેણે પોતે સ્વીચ ઇલેક્ટ્રિક બાઇક કંપનીનો માલિક હોવાનું જણાવ્યું હતું. વેપારીએ પણ શેરબજારમાં રોકાણ કરવાની અને સારી કંપનીના IPOમાં નાણાં મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે રાજ પટેલે ભવિષ્યમાં કોઈ સારો IPO આવશે તો જાણ કરવાની ખાતરી આપી હતી અને અમદાવાદ આવે ત્યારે મળવા આમંત્રણ આપ્યું હતું.

વિશ્વાસ જીતવા માટે બે વખત લાખોની લેવડદેવડ

ફરિયાદ મુજબ, વેપારીનો વિશ્વાસ સંપાદિત કરવા માટે રાજ પટેલે તેમની સાથે પ્રથમ રૂ.32.50 લાખ અને ત્યારબાદ રૂ.50 લાખની લેવડદેવડ કરી હતી. આ રીતે વિશ્વાસ કેળવ્યા બાદ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 1:25 વાગ્યે રાજકુમાર પટેલે વેપારીને ફોન કર્યો હતો.

ફોનમાં તેણે એક મોટી કંપનીનો IPO આવવાનો હોવાનું જણાવી તેમાં રૂ.1 કરોડનું રોકાણ કરવા જેવું હોવાનું કહ્યું હતું. સાથે જ માત્ર બે કલાક માટે રૂપિયા આપવાની માંગણી કરી હતી. જેથી વેપારીએ બપોરે 2:50 વાગ્યે પોતાની વછરાજ એન્ટરપ્રાઇઝ પેઢીના ICICI બેંક ખાતામાંથી રાજકુમાર પટેલની મેડાર્ટ કંપનીના બેંક ખાતામાં RTGS મારફતે રૂ.1 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

રૂપિયા પરત માંગતા ફોન ઉપાડવાનું બંધ કર્યું

રૂ.1 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ સાંજે આશરે 5 વાગ્યે વેપારીએ રાજકુમાર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ વોટ્સએપ મેસેજ કરતાં થોડા સમય બાદ રાજકુમારે ફોન કર્યો હતો. વેપારીએ પોતાના રૂપિયા પરત માંગતાં રાજકુમારે એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવાનું જણાવી રોકડમાં રૂ.1 કરોડ પરત આપવાની વાત કરી હતી.

આ માટે તેણે પોતાના માણસ પલ્કેશભાઈ સાથે વાત કરવાનું કહ્યું હતું. વેપારીએ પલ્કેશભાઈનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં ફોન કરીને પલ્કેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ ગાંધીનગર રૂપિયા લેવા આવ્યા છે અને પૈસા મળતાં જ વેપારીને ફોન કરશે.

જોકે, લાંબા સમય સુધી રાહ જોયા છતાં પલ્કેશભાઈનો કોઈ ફોન આવ્યો નહોતો. ત્યારબાદ રાજકુમાર પટેલનો સંપર્ક કરતાં તેણે રૂપિયા IPOમાં રોકાણ થયા ન હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં પરત મળી જશે તેવી ખાતરી આપી હતી. તેમ છતાં રાત સુધી રૂપિયા પરત ન મળતાં વેપારીએ ફરી વોટ્સએપ મેસેજ કરીને નાણાંની માંગણી કરી હતી.

ઇન્કમટેક્સની રેડનું બહાનું આપ્યાનો આક્ષેપ

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બીજા દિવસે પણ વેપારીએ રાજકુમાર પટેલને અનેક વખત ફોન કર્યા હતા, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો કે નાણાં પરત કર્યા નહોતા. બીજી તરફ તેના માણસ પલ્કેશભાઈએ મેસેજ કરીને જણાવ્યું હતું કે, 'સર વ્યસ્ત છે, અમારા ઉપર ઇન્કમટેક્સની રેઇડ પડી છે, જેથી થોડો સમય શાંત રહેવું પડશે.'

ત્યારબાદ પણ વેપારી સતત રાજકુમાર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. આખરે IPOમાં રોકાણ કરાવવાના બહાને પોતાની પાસેથી રૂ.1 કરોડ મેળવી પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ મેડાર્ટ કંપનીના માલિક રાજકુમાર પટેલ સામે ગુનો નોંધી સમગ્ર નાણાકીય વ્યવહાર અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Gujaratnow3 min read

Related News