નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦,૪૩૫ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ, ૧૩૭ ઉદ્યોગકારોને રૂ. ૬૭૧ કરોડથી વધુના મંજૂરીપત્રોના વિતરણ કરાયા


વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ઉદ્યોગકારોને આહવાન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
૦૦૦
રાજ્યના સર્વાંગી વિકાસના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી છે: શ્રી હર્ષભાઈ સંઘવી
૦૦૦
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦,૪૩૫ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ, ૧૩૭ ઉદ્યોગકારોને રૂ. ૬૭૧ કરોડથી વધુના મંજૂરીપત્રોના વિતરણ કરાયા
૦૦૦
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર બનશે: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
૦૦૦૦૦

રાજકોટ, તા. ૫ જાન્યુઆરી - નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી હોવાની ખાતરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જેવા પ્લેટફોર્મ થકી રાજ્યમાં રોકાણ વધારવા અને ગુજરાતના વિકાસને પાંખો આપવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦,૪૩૫ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની વિવિધ યોજના હેઠળ ૧૩૭ ઉદ્યોગોને રૂ. ૬૭૧ કરોડથી વધુના મંજૂરીપત્રોના વિતરણ કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે સંવાદ કાર્યક્રમમાં શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યના ઉદ્યોગકારો સાહસ અને રોકાણ કરીને હજારો, લાખો યુવાનોના સપના સાકાર કરે છે, ત્યારે રાજ્ય સરકાર પણ ઉદ્યોગકારોના પ્રશ્નો હલ કરીને, તેઓ સરળતાથી રોકાણ, ઉત્પાદન કરીને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે તે દિશામાં આગવા અભિગમ સાથે પ્રયત્નશીલ છે.

તેમણે કહ્યું હતું કે, રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે જ. રાજકોટ હાલ રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે રોકેટ ગતિએ ઊડી રહ્યું છે. આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં થવા જઈ રહી છે અને ૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેનો પ્રારંભ કરાવવાના છે. આ કોન્ફરન્સથી રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને બહુ મોટું પ્લેટફોર્મ અને બુસ્ટ મળશે.

નાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા થઈ રહેલી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, એમ.એસ.એમ.ઇ.નો વિકાસમાં મહત્વનો ફાળો હોય છે. આથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ સેક્ટરને બુસ્ટ કરવા પ્રયાસ કરી રહી છે. આ માટે વહીવટી તેમજ કાગળ પરની પ્રક્રિયાઓ સરળ બનાવીને ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ કરવામાં આવી રહ્યા છે.

ઉદ્યોગોના હિત માટે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, અગાઉ રોજ ૨૨૫ જેટલા ઉદ્યોગકારોને સબસીડી અપાતી, હવે રોજ ૪૫૦ સબસીડી મંજૂર કરાય છે અને આગામી દિવસોમાં રોજની ૭૦૦ સબસીડીની મંજૂરી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

આ તકે તેમણે કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર ખૂબ જ ટૂંકા સમયમાં રાજ્યમાં ૧૬થી વધુ જી.આઈ.ડી.સી. માટે જગ્યાની ઓળખ કરીને તેને ફાળવવાની કામગીરી મહેસૂલ વિભાગે કરી છે, જે પ્રશંસનીય છે.

આ બેઠકનો ધ્યેય સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોને તેમના પ્રશ્નો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમના નાના મોટા પ્રશ્નોનો તત્કાલ નિકાલ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિભાગો સાથે તમારે દ્વાર આવી છે.

ઉદ્યોગકારો રાજ્યના લાખો યુવાનોને રોજગારી આપીને તેમના સપના સાકાર કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર એક સહયોગી તરીકે તમારી પડખે ઊભી છે, એવો વિશ્વાસ તેમણે ઉદ્યોગકારોને અપાવ્યો હતો.

આ તકે તેમણે રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ આજે ૧૦,૪૩૫ ઉદ્યોગ સાહસિકોને રૂપિયા ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની ટેક્સટાઇલ, ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ, ઔદ્યોગિક માળખા વગેરે જેવી વિવિધ યોજના હેઠળ ૧૩૭ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૬૭૧ કરોડથી વધુના મંજૂરીપત્રોનું વિતરણ કરવાની જાહેરાત પણ કરી હતી.

આ તકે રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ એ રાજ્યનો અત્યંત મહત્વનો ઔદ્યોગિક ગઢ છે. સ્થાનિક ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ ઉદ્યોગ જગતના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી અને સરકાર સમક્ષ સતત જાગૃત રહી રજૂઆતો કરતા રહે છે, જે રાજકોટની વિકાસયાત્રાને વેગ આપી રહી છે. મંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આ કદાચ પ્રથમ એવી ઘટના છે જ્યારે આખું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, તેના ઉચ્ચ સચિવો અને તમામ વરિષ્ઠ અધિકારીગણ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજકોટના ઉદ્યોગપતિઓના પ્રશ્નોને રૂબરૂ સાંભળવા અને સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે ઉપસ્થિત રહ્યા છે. જે સરકારની ઉદ્યોગો પ્રત્યેની સંવેદનશીલતા અને સકારાત્મક અભિગમ દર્શાવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલી વિકાસની તેજ ગતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યોજાઈ રહેલી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર સાબિત થશે. જિલ્લા સ્તરે યોજાયેલા વર્કશોપ અને કોન્ફરન્સના પરિણામે કરોડો રૂપિયાના એમઓયુ થઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ જગતની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવો અને યોગ્ય સમાધાન કરવું એ સરકારની પ્રાથમિક જવાબદારી છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા દ્વારા શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. જ્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ.ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વશ્રી
ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, શ્રી માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિ, ઉદ્યોગ કમિશનર શ્રી પી.સ્વરૂપ, રેન્જ આઈ.જી. શ્રી અશોક યાદવ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે, જિઓલોજી અને માઈનિંગ કમિશનરશ્રી, જીઆઈડીસીના એમ.ડી. સુશ્રી પ્રવિણા ડી.કે. , સેટલમેન્ટ કમિશનર શ્રી બિજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જી.પી.સી.બી. કમિશનરશ્રી, ઈન્ડેક્સબી એમ.ડી. શ્રી કે.સી. સંપટ, જિલ્લા કલેકટર શ્રી ડૉ. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અગ્રગણ્ય ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow