પાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસ
નવી સિરીઝ ‘સ્પાય ફાઇલ્સ’માં આજે તે છોકરીની વાર્તા, જેણે જાસૂસી માટે પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે લગ્ન કર્યા, પછી પતિની હત્યા કરી દીધી…
નવેમ્બર 1971, બપોરનો સમય. દિલ્હીના લોધી રોડ પર ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAWની ઓફિસ. બહાર શિયાળાનો હળવો તડકો હતો, પરંતુ અંદરનું વાતાવરણ કોઈ સળગતા જ્વાળામુખી જેવું હતું.
અચાનક ત્યાં લાગેલા એક ગુપ્ત ટ્રાન્સમીટર પર વિચિત્ર ગડગડાટ થઈ. અધિકારીઓની આંગળીઓ ઝડપથી ડીકોડર પર દોડવા લાગી. જેવો છેલ્લો શબ્દ ડીકોડ થયો, રૂમમાં હાજર અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મેસેજ હતો- ‘પાકિસ્તાન, INS વિક્રાંતને ડુબાડવાનું કાવતરું રચી રહ્યું છે. તેની સૌથી ખતરનાક સબમરીન બંગાળની ખાડી તરફ નીકળવાની છે.’
INS વિક્રાંત, ભારતીય નેવીનું તે તરતું વિમાનવાહક જહાજ છે, જેના પર 30 લડાકુ વિમાન અને લગભગ 1600 સૈનિકો તૈનાત થઈ શકે છે. 1943માં તેને બ્રિટિશ રોયલ નેવી માટે તૈયાર કરવામાં આવ્યું હતું, જેને 1957માં ભારતે ખરીદી લીધું.
આ જ INS વિક્રાંતના જોરે ભારતે પશ્ચિમી પાકિસ્તાનથી પૂર્વી પાકિસ્તાન જતા દરિયાઈ માર્ગની નાકાબંધી કરી રાખી હતી. પાકિસ્તાન તરફડી રહ્યું હતું. તે કોઈપણ ભોગે વિક્રાંતને ડુબાડવા માંગતું હતું, જેથી તે પૂર્વી પાકિસ્તાન સુધી સરળતાથી હથિયારો અને સૈનિકો મોકલી શકે.
8 નવેમ્બર 1971, દિલ્હીથી લગભગ એક હજાર કિલોમીટર દૂર કરાચીનો એક ભવ્ય ગોલ્ફ કોર્સ. પાકિસ્તાન નેવીના સૌથી સક્ષમ સબમરીન કમાન્ડર, ઝફર ખાન શોટ મારવાના જ હતા કે એક રનર હાંફતો હાંફતો આવ્યો.
‘સર, હેડક્વાર્ટરથી કહેણ આવ્યું છે. તરત ચાલો.’
હેડક્વાર્ટર પહોંચતાં જ કમાન્ડર ઝફર સામે નકશો ફેલાવી દેવામાં આવ્યો. એક એડમિરલ ઓફિસરે કહ્યું- ‘INS વિક્રાંતને તબાહ કરવાનું છે. બધાની રજાઓ રદ. 10 દિવસની અંદર કૂચ કરી જાઓ.’
14 નવેમ્બરે કમાન્ડર ઝફર પાકિસ્તાનની સૌથી ઘાતક સબમરીન PNS ગાઝીને લઈને કરાચીથી નીકળ્યા. 18 નવેમ્બરે શ્રીલંકામાં ડીઝલ ભરાવ્યું. 20 નવેમ્બરે તેઓ ચેન્નઈના કિનારા તરફ આગળ વધવાના જ હતા કે કરાચીથી નવો સંદેશ આવી ગયો- ‘હવે વિક્રાંત મદ્રાસમાં નથી.’
આ દરમિયાન, વિશાખાપટ્ટનમના બજારોમાં અજીબ હલચલ શરૂ થઈ ગઈ. અચાનક ભારે માત્રામાં રાશન, ટનબંધ માંસ અને શાકભાજી ખરીદવામાં આવવા લાગ્યા.‘
આટલો મોટો રસાલો તો INS વિક્રાંત માટે જ મંગાવી શકાય છે.’ પાકિસ્તાની જાસૂસોના કાન સરવા થઈ ગયા. તેમણે તરત કરાચી સંદેશ મોકલ્યો- ‘વિક્રાંત વિશાખાપટ્ટનમમાં છે.’
હવે પાકિસ્તાનથી કમાન્ડર ઝફરને નવો હુકમ મળ્યો- ‘તરત દિશા બદલો, વિક્રાંત વિશાખાપટ્ટનમમાં છે.’
1 ડિસેમ્બર 1971, ઘડિયાળમાં રાતના 11 વાગીને 45 મિનિટ થઈ હતી. પાકિસ્તાની સબમરીન ગાઝી વિશાખાપટ્ટનમ બંદરગાહની નજીક પર આવીને ઊંડા સમુદ્રમાં છુપાઈ ગઈ. કમાન્ડરે નક્કી કર્યું કે જ્યાં સુધી તેમને વિક્રાંત દેખાતું નથી, ત્યાં સુધી તેઓ સપાટી પર નહીં આવે.
48 કલાક વીતી ગયા. ગાઝીમાં ડીઝલથી બેટરીઓ ચાર્જ કરવામાં આવી રહી હતી, જેના કારણે ખતરનાક હાઈડ્રોજન ગેસ રિલીઝ થઈ રહ્યો હતો. સબમરીનની અંદર હાઈડ્રોજન જમા થતો જતો હતો. મેડિકલ ઓફિસર વિનંતી કરી રહ્યા હતા કે હાઈડ્રોજન બહાર કાઢવા માટે સપાટી પર જવું પડશે, પણ ઝફરના માથે મિશનનું ભૂત સવાર હતું.
તેમણે ચીસો પાડતાં કહ્યું, ‘ગાઝી જેવી વિશાળ સબમરીન દિવસના અજવાળામાં ઉપર આવી, તો હિન્દુસ્તાની આપણને જીવતા ચાવી જશે.’
સમય પસાર થતો ગયો. પછી આવી 3 ડિસેમ્બર 1971ની રાત. લગભગ 12 વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો અવાજ ગુંજ્યો- ‘પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો છે।’
તેમનું ભાષણ ચાલી જ રહ્યું હતું કે 12 વાગીને 15 મિનિટે વિશાખાપટ્ટનમ સમુદ્રમાં જોરદાર ધમાકો થયો. આસપાસના મકાનોની બારીઓના કાચ તૂટી ગયા. લોકો ડરી ગયા કે પાકિસ્તાને બોમ્બમારો કર્યો છે.
પરંતુ, સવારે જાણવા મળ્યું કે PNS ગાઝી પોતે જ વિસ્ફોટ થઈને તબાહ થઈ ગઈ છે. માછીમારોને તેનો કાટમાળ મળ્યો હતો.
આ રીતે ભારતે માત્ર INS વિક્રાંતને જ બચાવ્યું નહીં, પરંતુ પાકિસ્તાની નેવીના ઘણા ઠેકાણાઓને પણ તબાહ કરી દીધા. પશ્ચિમી પાકિસ્તાનથી પૂર્વી પાકિસ્તાનના દરિયાઈ માર્ગ પર ભારતની નાકાબંધી સામે પાકિસ્તાનની એક પણ ન ચાલી.
16 ડિસેમ્બર 1971ના રોજ 90 હજાર સૈનિકો સાથે પાકિસ્તાને ભારત સામે શરણાગતિ સ્વીકારી લીધી. પાકિસ્તાનના બે ટુકડા થયા અને દુનિયાના નકશા પર એક નવો દેશ જન્મ્યો - 'બાંગ્લાદેશ.'
આ બધું તે ગુપ્ત મેસેજને કારણે થયું હતું જેને કાશ્મીરની એક છોકરી સહમતે જીવના જોખમે પાકિસ્તાનથી મોકલ્યો હતો. સહમતે જાસૂસી માટે પાકિસ્તાની સૈનિક સાથે લગ્ન કર્યા હતા.