યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી વિષયક જાગૃતિ ફેલાવવાનો છે. જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય તથા સક્રિય જીવનશૈલી તરફ આગળ વધી શકે.
આજના ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે શહેરની એક એવી સેવાકીય સંસ્થાની વાત કરીએ તો, 10 વર્ષ પૂર્વે શહેરમાં સામાજિક, ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરવા યુવા સેના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.
સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલાને તેના જ બાળપણમાંથી મળી હતી. જે તેણે નબળો સમય બાળપણમાં વિતાવ્યો હતો તેને લઈને વિચાર આવ્યો કે શહેરમાં હજુ ઘણા એવા જરૂરિયાતમંદ બાળકો તથા પરિવારો છે જેને મદદની ખૂબ જરૂર હોય છે.
સંસ્થા દ્વારા ચાલતું એવું જ એક સેવાકીય કાર્ય કે, શહેરમાં છેલ્લા 7 વર્ષથી દર બુધવારે સાંજે 4:30થી 6:30 દરમિયાન મહાકાલેશ્વર મંદિર, ગોંડલ રોડ ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં દરેક રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.
આ કાર્યમાં દર બુધવારે 50થી 70 દર્દીઓ લાભ લે છે. જેમાં ખાસ કરીને કમરના દુખાવા, ગાદીની તકલીફ, સાઈટિકા, નસ દબાવી તેમજ ગરદનના, સ્નાયુના, હાથપગના, પેટના, માથાના દુખાવા તથા ફ્રેક્ચર પછીની ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે.