પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી કેમ સાંભળવું જોઈએ ગરુડ પુરાણ, જાણો તેનાથી જોડાયેલ વાતો વિશે
ગરુડ પુરાણ આપણા હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેમાં જન્મ-મરણથી લઈને સ્વર્ગ-નર્ક અને બીજી ઘણી બધી બાબતોનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી શું થાય છે જે વ્યક્તિને મોક્ષ કે દુઃખ તરફ લઈ જાય છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કુલ ઓગણીસ હજાર શ્લોક છે જેમાં એવા સાત હજાર શ્લોક છે જે વ્યક્તિ માટે જ્ઞાન, ધર્મ, નીતિ, જીવન, આદર, સદાચાર, ત્યાગ અને તપનું મહત્વ દર્શાવે છે.
આ સાથે જ ગરુડ પુરાણનું જ્ઞાન વ્યક્તિને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જ્યારે પણ ઘરમાં કોઈ પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે એ સમયે ગરુડ પુરાણનો પાઠ 13 દિવસ સુધી કરવામાં આવે છે. સાથે જ પરિવારના બધા સભ્યો સાથે બેસીને પાઠ સાંભળે છે. જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃતકની આત્મા આસક્તિમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વએવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે અને એટલા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. સાથે મૃતકો પણ આ પાઠ સાંભળે છે અને તેનાથી તે સ્વર્ગ, નરક, ગતિ, મોક્ષ, દુઃખ અને તમામ પ્રકારની ગતિઓ વિશે જાણે છે.
જણાવી દઈએ કે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી તેઓને ખબર પડે છે કે મૃત્યુ પછીની યાત્રામાં તેમને કઇ વસ્તુઓનો સામનો કરવો પડશે અને તેઓ કઈ દુનિયામાં જશે.
જ્યારે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે એ સમયે મૃતકની સાથે પરિવારના સભ્યોને પણ ખબર પડે છે કે મોક્ષ શું છે અને મૃત્યુ પછી કયા પ્રકારનાં કાર્યો કરવાથી મોક્ષ મળી શકે છે
ગરુડ પુરાણમાં સ્વર્ગ-નર્ક વિશે કહેવામાં આવ્યું છે ઉપરાંત મૃત્યુ પછી કર્મોના આધારે જ સજા આપવામાં આવે છે એમ પણ કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે.

માન્યતા અનુસાર મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તે પરિવાર પ્રત્યેનો લગાવ અને દુનિયાના તમામ દુ:ખ છોડીને ભગવાનના માર્ગે ચાલે છે.
જો કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોની આત્મા મૃત્યુ પછી તરત જ બીજો જન્મ લે છે તો કેટલાકને 3 દિવસ, કેટલાકને 10-13 દિવસ અને કેટલાકને 1.25 મહિના લાગે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે, તો તેને બીજો જન્મ લેવા માટે એક વર્ષ લાગે છે.