કોણ ચલાવે છે સૂર્યદેવનો રથ, પક્ષીઓના રાજા ગરુડ અને તેમની વચ્ચે શું સંબંધ છે? જાણો રામાયણ અને મહાભારત ગ્રંથોમા આપેલ તથ્ય

ધર્મગ્રંથો પ્રમાણે દરેક દેવતાની પાસે પોતાનું એક ખાસ વાહન હોય છે. જેમ કે મહાદેવનું વાહન નંદી છે, દુર્ગા માતાનું વાહન સિંહ છે અને શ્રીગણેશનું વાહન મૂષક અર્થાત્ ઉંદર છે. એ જ રીતે સૂર્યદેવના વાહન સાત ઘોડાવાળો રથ છે.
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે પંચદેવોમાં સામેલ છે અને ગ્રહ પણ છે. તેમને ગ્રહોના રાજા પણ કહેવામાં આવે છે. સૂર્યદેવના પ્રભાવથી જ પૃથ્વી પર જીવન ચાલે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ પોતે ઘોડાઓના રથ પર સવાર થઈને નિરંતર ચાલતાં રહે છે. રથ એક ક્ષણ માટે પણ અટકતો નથી. પરંતુ આ રથને ચલાવનાર કોણ છે? તે વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આજે અહીં જાણીએ સૂર્યદેવનો રથ ચલાવનાર સારથી વિશે...
અરુણ છે સૂર્યદેવના રથના સારથી
મહાભારતમાં જણાવ્યા પ્રમાણે સૂર્યદેવનો રથ ચલાવનાર સારથીનું નામ અરુણ છે. તેઓ ભગવાન વિષ્ણુના વાહન ગરુડદેવના ભાઈ છે. તેઓ મહર્ષિ કશ્યપ અને વિનિતાના પુત્ર છે, કથાઓ પ્રમાણે, વિનિતાએ પોતાના પતિ મહર્ષિ કશ્યપની સેવા કરીને બે મહાપરાક્રમી પુત્રોનું વરદાન માંગ્યું. મહર્ષિ કશ્યપે તેણે વરદાન આપ્યું. સમય આવ્યે વિનિતાએ બે ઈંડા આપ્યાં. મહર્ષિ કશ્યપે વિનિતાને કહ્યું કે,“આ ઈંડાઓથી તને બે પરાક્રમી પુત્રોની પ્રાપ્તિ થશે.”
અરુણે શા માટે આપ્યો હતો પોતાની માતા વિનિતાને શ્રાપ?
ઘણો સમય થઈ ગયો તેમ છતાં આ ઈંડાઓમાંથી બચ્ચાઓ ન નિકળ્યાં ત્યારે ઉત્સુકતાવશ વિનિતાએ એક ઈંડાને સમય પહેલાં જ ફોડી નાખ્યું. એ ઈંડામાંથી અરુણ બહાર આવ્યાં, પરંતુ સમય પહેલાં જ ઈંડું ફોડવાને લીધે તેના પગ ન હતાં. ત્યારે ક્રોધિત થઈને પોતાની માતાને સોતન(શોક્ય-પતિની બીજી પત્ની)ની દાસી બનવાનો શ્રાપ આપ્યો. ત્યારબાદ અરુણે ઘોર તપસ્યા કરી અને ભગવાન સૂર્યદેવના સારથી બની ગયાં.
અરુણ અને વિષ્ણુજીના વાહન ગરુડ વચ્ચે શું સંબંધ છે?
મહાભારત જણાવ્યા પ્રમાણે વિનિતાના બીજા ઈંડામાંથી મહાપરાક્રમી ગરુડનો જન્મ થયો. આ રીતે અરુણ અને ગરુડ એક જ માતા-પિતાના સંતાન અર્થાત્ ભાઈ છે. અરુણના શ્રાપને લીધે જ્યારે તેની માતા પોતાની જ સોતન(શોક્ય) કદ્રીની દાસી બની તો ગરુડે તેને દાસત્વમાંથી મુક્ત કરાવી હતી. તેના પરાક્રમને જોઈને ભગવાન વિષ્ણુએ તેમને પોતાના વાહન બનાવ્યાં.
અરુણના જ સંતાન છે સંપાતિ અને જટાયૂ
રામાયણમાં બે ગિદ્ધ પક્ષિઓનું પણ વર્ણન આવે છે, તેનું નામ જટાયૂ અને સંપાતિ છે. આ બંને અરુણના જ સંતાન ગણાય છે. ધર્મગ્રંથો પ્રમાણે અરુણની પત્નીનું નામ શ્યેની છે. અરુણ અને શ્યેનીના બે પુત્ર થયા- સંપાતિ અને જટાયૂ. જ્યારે રાવણ દેવી સીતાનું હરણ કરીને લઈ જઈ રહ્યો હતો એ વખતે જટાયૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, રાવણ સાથે થયેલાં યુદ્ધ દરમિયાન તેનું મૃત્યું થઈ ગયું. તો સંપાતિએ જ વાનરોને એ સૂચના આપી હતી કે રાક્ષસરાજ રાવણ દેવી સીતાનું હરણ કરી લંકા નગરીમાં લઈ ગયો હતો.