શિયાળામાં માલિશ માટે કયું તેલ છે બેસ્ટ, એક્સપર્ટ પાસેથી જાણીએ મસાજની બેસ્ટ ટેક્નિક

વર્ષોથી માલિશ આપણી પરંપરા રહી છે. જ્યારથી બાળકનો જન્મ થાય છે ત્યારથી જ માલિશનું મહત્વ શરૂ થઇ જાય છે. કોઇ પણ તેલથી માલિશ કરવું જ ફાયદાકારક નથી પરંતુ માલિશની સાચા રીત અને માલિશ માટે કયા પ્રકારના તેલનો ઉપયોગ કરવો જોઇએ તે પણ જાણવું જરૂરી છે. શિયાળામાં બોડી મસાજ માટે કયા પ્રકારના તેલનો ઉપયોગ સારો રહેશે તે અંગે જણાવી રહ્યા છે, બ્યૂટી એકસપર્ટ શહનાઝ હુસૈન...

ઓછા ખર્ચે મેળવો સોફ્ટ સ્કિન
શિયાળામાં ઠંડી હવાને કારણે સ્કિન શુષ્ક અને ખરબચડી થઇ જાય છે. તો હવામાં ભેજ ન હોવાને કારણે ત્વચામાંથી પણ ભેજ ઓછો થઈ જાય છે. પાણીમાં ક્લોરિનની માત્રાની સાથે સાથે શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી ત્વચાની ડ્રાઇનેસમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં યોગ્ય તેલથી માલિશ કરીને ત્વચાની ડ્રાઇનેસમાં ઘટાડો કરી શકાય છે.જો તમે મોંઘી વિન્ટર ક્રીમ પર પૈસા ખર્ચવા નથી માગતા, તો તમે રસોડામાં રહેલા તેલથી મસાજ કરીને શિયાળામાં ત્વચાને સોફ્ટ રાખી શકો છો.

શિયાળામાં તેલ માલિશ માટે આ તેલ છે બેસ્ટ
સ્કિન માટે તેલનું માલિશ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં પણ ખાસ કરીને શિયાળામાં. તેલના માલિશથી સ્કિનની ડ્રાઇનેસને દૂર કરે છે અને ત્વચાને સોફટ અને ગ્લોઇંગ રાખે છે. તો મસાજથી ત્વચાને ટોન રહે છે, પોષણ આપે છે, બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે, સાંધાઓની જડતા દૂર કરે છે અને શરીરને લવચીક બનાવે છે.

આયુર્વેદમાં ઋતુ પ્રમાણે તેલની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. તલનું તેલ દરેક ઋતુમાં સારું માનવામાં આવે છે. ઓલિવ, નારિયેળ અને સૂર્યમુખી તેલ ઉનાળામાં માલિશ કરવા માટે સારું માનવામાં આવે છે. બદામ અને સરસવનું તેલ શિયાળા માટે સારું છે.

બદામનું તેલ ડ્રાઇનેસને કારણે આવતી ખંજવાળ અને ફોલ્લીઓને દૂર કરવામાં મદદ કરે છે. તો અન્ય તેલની સરખામણીમાં બદામનું તેલ થોડું ભારે છે. તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. બદામના તેલથી માલિશ કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. ડ્રાય ત્વચા પર બદામનું તેલ લગાવવાથી ત્વચાની ચમક વધે છે.

સરસવનું તેલ પણ શિયાળામાં ફાયદાકારક છે. સરસવનું તેલને ગરમ કરીને માલિશ કરવામાં આવે તો સ્કિનની ડ્રાઇનેસને દુર કરીને થાક અને સાંધાના દુખાવાની સમસ્યાને પણ દુર કરે છે.

શિયાળામાં ગરમ તેલથી માલિશ કરો
જો તમે શિયાળામાં મસાજ કરો છો તો ગરમ તેલથી માલિશ કરવું ફાયદાકારક છે. મસાજ દરમિયાન શરીરના અલગ-અલગ ભાગો પર સમસ્યાઓ અનુસાર યોગ્ય ધ્યાન આપો. ઉદાહરણ તરીકે, ખભા, કોણી અને કાંડાના સાંધા પર નાના વર્તુળોમાં મસાજ કરો. લાંબા સમય સુધી નીચે અને ઉપરની ગતિમાં હાથ અને પગના સ્નાયુઓને મસાજ કરો.

પેટનું માલિશ નાભિથી શરૂ કરીને બહારની તરફ કરવું જોઈએ. પેટના ઉપરના ભાગમાં જમણેથી ડાબી તરફ મસાજ કરવું જોઈએ, જ્યારે પેટના નીચેના ભાગમાં ડાબેથી જમણે મસાજ કરવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ માલિશ ન કરવું જોઇએ
સગર્ભા સ્ત્રીઓએ પેટનું મસાજ ડૉક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ. જો શરીરના કોઈપણ ભાગ પર કોઈ ઈજા અથવા ત્વચાની સમસ્યા હોય તો પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. જો કોઈને હૃદય સંબંધિત સમસ્યા છે તો સાવધાની રાખવી પડશે. તો હાડકાના કોઈપણ ભાગ પર સખત દબાવો નહીં અને કરોડરજ્જુ પર સીધું માલિશ કરવાનું ટાળવું જોઇએ.

માલિશ કરતી વખતે તમામ દાગીના કાઢી નાખો અને ખાતરી કરો કે તમારા નખની ધાર તીક્ષ્ણ નથી. તમારા હાથ પર તેલ લગાવો અને માલિશ કરવામાં આવતી જગ્યા પર સીધું નહીં. પૂરતું તેલ અથવા ક્રીમ હોવું જોઈએ, જેથી હાથ સરળતાથી હલાવી શકે અને ઘર્ષણથી ત્વચાને નુકસાન ન થાય.

પોતાના પર મસાજ માટે ગરદન અથવા શરીરના તે ભાગોમાં તણાવ ઓછો કરવા માટે તમે કેટલાક સરળ સ્ટ્રોક સરળતાથી શીખી શકો છો.તમારા મસાજ માટે લાકડાના રોલર્સનો પણ ઉપયોગ કરી શકાય છે.