જ્યાં બ્રહ્માજીએ વિશાળ યજ્ઞ કર્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ સ્નાન કર્યું હતું

હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર નદીમાં કરેલા સ્નાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમ ગંગાજીમાં સ્નાન કરવાથી તમારાં તમામ પાપ ધોવાઈ જાય છે તેમ હરિયાણા રાજ્યના થાનસેરમાં આવેલા બ્રહ્મા સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. આ બ્રહ્મા સરોવરનું આ સિવાય પણ આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે.

તેથી જ અહીંયાં ભારતભરમાંથી જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સ્નાન અર્થે અને દર્શનાર્થે આવે છે. આ સરોવર વિશે એક આધ્યાત્મિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે અને આ સરોવર મહાભારતકાળ સાથે પણ જોડાયેલું છે. કહેવાય છે કે આ સરોવરની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. મહાભારતકાળમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે યુદ્ધના છેલ્લા દિવસે દુર્યોધન આ જ સરોવરમાં સંતાયો હતો. આ બ્રહ્મા સરોવરની ઉત્તર દિશામાં શિવમંદિર આવેલું છે.

સૂર્યગ્રહણ તેમજ ચંદ્રગ્રહણના દિવસે બ્રહ્મા સરોવરમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ કર્યાં બરાબરનું પુણ્ય મળે છે.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન સ્નાન કરવા પાછળની એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે, આ દિવસે સરોવરમાં ડૂબકી લગાવવાથી અશ્વમેધ યજ્ઞ કર્યાં બરાબરનું પુણ્ય મળે છે. અહીં અંગ, મગધ, પાંચાલ, કાશી, કૌશલ જેવા અનેક રાજ્યોના રાજા-મહારાજાઓ પણ ગ્રહણના દિવસે સ્નાન કરવા માટે આવ્યા હતા.

જ્યારે દ્વારકાનો કિલ્લો અનિરુદ્ધ અને કૃતવર્માને સોંપીને ભગવાન શ્રીકૃષ્ણ, અક્રુર, વાસુદેવ, ઉગ્રસેન, ગદ, પ્રદ્યુમ્ન, સામવ અને યદુવંશી પણ અહીં સ્નાન કરવા આવેલા હતા. એટલું જ નહીં, વ્રજભૂમિમાંથી મોટી સંખ્યામાં ગોપ-ગોપિકાઓ પણ અહીં સ્નાન કરવા આવેલાં છે જે દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળીને દ્રૌપદી સહિત પાંચેય પાંડવોને પણ મળ્યા હતા.જોકે, સ્નાન માટેનો યોગ્ય સમય સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત વચ્ચેનો માનવામાં આવે છે, કારણ કે આ સમયે પ્રકૃતિની રોશનીમાં સરોવર ખૂબ જ મનોહર જણાય છે અને સરોવરને પણ સ્પષ્ટ રીતે દૂર દૂર સુધી જોઇ શકાય છે.

થાનેસરમાં ભીષ્મ કુંડનું અનેરું મહત્ત્વ રહેલું છે
થાનેસરના નરકાટારીમાં ભિષ્મપિતામહ કુંડ આવેલો છે. મહાભારતકાળમાં ભિષ્મપિતામહ, પાંડવો અને કૌરવોના આદરણીય હતા, પણ તેમણે મહાભારતના યુદ્ધમાં કૌરવોનો સાથ આપ્યો હતો. શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે તેમને એવું વરદાન મળ્યું હતું કે, તેઓ તેમની ઇચ્છાશક્તિ દ્વારા જ્યાં સુધી જીવવા માગે ત્યાં સુધી જીવી શકતા હતા અને જ્યારે પણ તેઓ પોતાનું મૃત્યુ ઇચ્છે ત્યારે મૃત્યુ પામી શકતા હતા. તેઓ એક અજેય યોદ્ધા હતા તેમને પાંડવો પ્રત્યે વિશેષ લગાવ હોવા છતાં પણ તેઓ પાંડવોની સામે યુદ્ધમાં લડ્યા હતા. પાંડવોની પાસે ભિષ્મપિતામહને હરાવવાનો કોઈ ઉપાય જડતો નહોતો. તેથી તેમણે તેમને કેવી રીતે હરાવવા એ માટે ભગવાન શ્રીકૃષ્ણનો સંપર્ક સાધ્યો અને તેમણે ભિષ્મપિતામહના મૃત્યુનું રહસ્ય પાંડવોને જણાવ્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને શિખંડીને યુદ્ધમાં લઇ જવાની સલાહ આપી હતી. શિખંડી ન પુરુષ હતો કે ન સ્ત્રી! શિખંડી વ્યંઢળ હતો. તેમજ ભિષ્મપિતામહનું મૃત્યુ કોઇ પુરુષ કે સ્ત્રીના હાથેથી થઇ શકે તેમ નહોતું. તેથી તેમના મૃત્યુ માટે શિખંડી જ ઉપાય હતો, કારણ કે ભિષ્મપિતામહ મહાન યોદ્ધા હોવાથી તેઓ સ્ત્રી (શિખંડી) પર વાર કરી શકે તેમ નહોતા. આગળ જતા યુદ્ધમાં પાંડવોએ યોજના ઘડી નાખી.અર્જુન શિખંડીની પાછળ ઊભા રહીને ભિષ્મપિતામહ પર બાણવર્ષા ચલાવતા રહ્યા અને તેઓ ઘાયલ થઇ ગયા.

ભિષ્મપિતામહ ખૂબ જ ઘાયલ થયા હોવાથી તેમણે તેમનાં શસ્ત્રો ત્યજી દીધાં અને યુદ્ધના દસમા દિવસે વધુ ઘાયલ થઇને ઢળી પડ્યા. અંતે તેમને બાણોની જ પથારી પર સુવડાવવામાં આવ્યા. તેઓ જ્યારે બાણોની પથારીમાં હતા ત્યારે ખૂબ જ તરસ લાગી હતી અને તેમણે તેમની આસપાસ ઊભા રહેલા પાંડવો અને કૌરવો પાસે પાણીની માંગણી કરી હતી. એવામાં અર્જુને જમીન પર બાણ ચલાવ્યું અને તેમાંથી પાણીની ધાર નીકળી હતી જેનાથી ભિષ્મ પિતામહની તરસ છિપાઇ ગઇ હતી. ત્યારબાદ તે જગ્યા ભિષ્મકુંડના નામે જાણીતી થઇ હતી. જ્યાં એક નાનું મંદિર પણ આવેલું છે.