વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર સવાલ
દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર પ્રાઈવસીને લઈને આરોપોના ઘેરામાં છે. સાન ફ્રાન્સિસ્કોની એક ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા નવા મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની યુઝર્સની તે ચેટ્સ પણ જોઈ શકે છે, જેને તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (E2E) જણાવીને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો કરે છે.
ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકાના યુઝર્સના એક ગ્રુપે આ ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ કર્યો છે. અમેરિકાની એક કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે મેટા અને વોટ્સએપ તેમના અબજો યુઝર્સને સુરક્ષાના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અરજદારોનો દાવો છે કે કંપની પાસે લગભગ તમામ ખાનગી વાતચીતને સ્ટોર કરવાની, તેનું વિશ્લેષણ કરવાની અને તેને એક્સેસ કરવાની ક્ષમતા છે. જ્યારે મેટાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે આ મુકદ્દમો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને તેઓ અરજદારોના વકીલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માગ કરશે.
મુકદ્દમામાં મુખ્ય આરોપ શું છે?
મુદ્દમામાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપનો આ દાવો કે ફક્ત મોકલનાર અને મેળવનાર જ મેસેજ વાંચી શકે છે, ખરેખરમાં ખોટો છે. અરજદારોના મતે, મેટા પાસે એવી ટેકનોલોજી અને એક્સેસ છે, જેનાથી તે યુઝર્સના મેસેજ જોઈ શકે છે. આમાં કેટલાક વ્હિસલબ્લોઅર્સના હવાલાથી પણ માહિતી આપવામાં આવી છે. જેમણે દાવો કર્યો છે કે મેટાના કર્મચારીઓ જરૂર પડ્યે યુઝર્સના ડેટા સુધી પહોંચ બનાવી શકે છે.
આ મુકદ્દમા કાલ્પનિક વાર્તા
મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને કહ્યું, 'લોકોના વોટ્સએપ મેસેજ એન્ક્રિપ્ટેડ નથી તેવો દાવો કરવો સંપૂર્ણપણે ખોટો અને હાસ્યાસ્પદ છે.' તેમણે સ્પષ્ટ કર્યું કે વોટ્સએપ છેલ્લા એક દાયકાથી સિગ્નલ પ્રોટોકોલનો ઉપયોગ કરી રહ્યું છે, જે સુરક્ષાના મામલે વિશ્વભરમાં એક ધોરણ માનવામાં આવે છે. કંપનીએ આ મુકદ્દમાને ફિક્શન (કાલ્પનિક વાર્તા) ગણાવ્યો છે.