વધતા ટેક્સના કારણે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ યુકે છોડશે
દુનિયાની બીજી સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના માલિક અને બ્રિટનના ટોચના અબજોપતિઓમાં સામેલ લક્ષ્મી મિત્તલ બ્રિટન છોડી રહ્યા છે.
ધ સન્ડે ટાઇમ્સના રિપોર્ટ મુજબ, લેબર પાર્ટીની નવી સરકાર દ્વારા ધનિકો પર ટેક્સ વધારવાની તૈયારીના કારણે મિત્તલે આ નિર્ણય લીધો છે. ભારતીય મૂળના મિત્તલની કુલ સંપત્તિ લગભગ ₹1.8 લાખ કરોડ છે. તેઓ બ્રિટનના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે.
બ્રિટનમાં 20% 'એક્ઝિટ ટેક્સ' લગાવવાની તૈયારી
લેબર પાર્ટીની સરકારમાં નાણાં મંત્રી રેચલ રીવ્સ દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે 20 અબજ પાઉન્ડ (લગભગ ₹2.3 લાખ કરોડ)નું ફંડ એકઠું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
26 નવેમ્બરે રેચલ રીવ્સનું બજેટ આવવાનું છે. અટકળો છે કે તેમાં 20% સુધી એક્ઝિટ ટેક્સ (દેશ છોડવા પરનો ટેક્સ) લગાવવાની જાહેરાત થઈ શકે છે. આ પહેલાં સરકારે કેપિટલ ગેઇન ટેક્સને એપ્રિલ 2025થી 10% થી વધારીને 14% કરી દીધો હતો, જે 2026માં 18% સુધી પહોંચી જશે.
મિત્તલના પરિવારના એક સલાહકારે જણાવ્યું કે સૌથી મોટી ચિંતા ઇનહેરિટન્સ ટેક્સ (વારસાગત ટેક્સ) છે. મોટાભાગના ધનિક વિદેશી લોકો એ સમજી જ શકતા નથી કે તેમની દુનિયાભરની સંપત્તિ પર બ્રિટનનો ઇનહેરિટન્સ ટેક્સ શા માટે લાગવો જોઈએ? આ દેશ છોડવા પર મજબૂર કરી રહ્યું છે.