વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવ્યાનો ઘટસ્ફોટ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્ની સાથે રહેતા 32 વર્ષીય યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈર્શાદ વણઝારા નામના યુવકનું 18મી તારીખે શંકાસ્પદ મોત થયા બાદ સામાન્ય મૃત્યુ ગણી તેની દફનવિધિ કરી નાખવામાં આવી હતી. પરંતુ, મૃતકના પરિવારજનોને મોતને લઈ શંકા જતા પાંચ દિવસ બાદ ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઈર્શાદનું ગળું દબાવી હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે મૃતકની પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી પતિની હત્યા કરી હતી. હવે આ મામલે હત્યાનો ગુનો દાખલ થશે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.