વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ ગરબૈ ઘૂમ્યા

નવલી નવરાત્રિના બીજા નોરતે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજટોક સહિતના શહેરોમાં ખેલૈયાઓ જોમ-જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા. મુંબઇમાં એશ્વર્યા મજમુદારે રસિયો રૂપાળો રંગ રેલીયા સોન્ગ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગાંધીનગર શેરી અફેર્સના પાસના રૂ.12,000 ખર્ચ્યા છતાં ખેલૈયાઓએ ટ્રાફિકજામમાં ફસાયા અને કેટલાકને તો ચાલતા ચાલતા જવું પડ્યું હતું.
રાજકોટમાં ગેલેક્સી ગરબી મંડળની બાળકીઓ દ્વારા તલવાર રાસ સહિતના વિવિધ રાસ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત મન મોર બની થનગાટ કરે સહિતના વિવિધ સોન્ગ પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ફસાયા હતા. નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીની રોયલ એન્ટ્રીથી ખેલૈયા ઘેલા થયા હતા. જોકે, નવરાત્રિના બીજા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વતન માણસા ખાતે પહોંચ્યા હતા. જ્યાં પરિવાર સાથે તેમણે કુળદેવીના દર્શન કર્યા હતા.
વિદેશી ડેલિગેટ્સ ગુજ્જુઓ સંગ ગરબે ઘૂમ્યા નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે વડોદરામાં ગરબા રસિકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પહેલા દિવસે વરસાદ અને ટ્રાફિકના કારણે થયેલી મુશ્કેલીઓ બાદ ખેલૈયાઓ રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં મનમૂકીને ઝૂમ્યા હતા. જ્યારે VNFના ગરબામાં વિદેશી ડેલિગેટ્સ પણ ભારતીય પરંપરાના રંગે રંગાઈને સ્થાનિક સાંસદ હેમાંગ જોષી સાથે ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત, સેવાસી રોડ પર આવેલા શિશુ ગરબાના ગ્રાઉન્ડમાં ચાલુ ગરબા દરમિયાન ઝેરી સાપ નીકળતા થોડી અફરાતફરી મચી હતી. નવલખી ગ્રાઉન્ડ અને યુનાઈટેડ વેના ગરબામાં ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો.