વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને મળશે વૈશ્વિક ફલક
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને મળશે વૈશ્વિક ફલક
ત્રણ પેઢીથી પટોળા હસ્તકલાને આગળ ધપાવતાં પરિવારની નવી પેઢી હવે ડિજિટલ માર્કેટિંગમાં પણ માહેર
ફિલ્મ સ્ટાર્સ, એન.આર.આઈ. અને વિદેશી નાગરિકોમાં રાજકોટના આકર્ષક રેશમી પટોળાનો ક્રેઝ
ગરવીગુર્જરી અને હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન મેળા થકી હાથ વણાટથી બનતા પટોળાને મળ્યું નવજીવન
• જી-આઈ ટેગથી પટોળાને વિશ્વસનીયતા સાથે નવી ઓળખ મળી છે
• સાડી ઉપરાંત લહેંગા, દુપટ્ટા, શાલ, પર્સ મોજડી તથા પુરુષો માટે ટાઈ, જેકેટની પણ માંગ
આલેખન : રાજકુમાર & રાજ લક્કડ

એક સમયે રાજવી પરિવારની શાન સમાન આકર્ષક નવરતન, માણેક ચોક, રંગબેરંગી હાથી, પોપટની કલાકૃતિ સાથેના પટોળા હવે ફિલ્મ સ્ટાર્સ, એન.આર.આઈ. અને વિદેશી નાગરિકોના પરિધાનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. લગ્ન કે શુભ પ્રસંગે ભાતીગળ પટોળા મહિલાઓની પ્રથમ પસંદગી બની રહ્યાં છે.
રેશમની દોરમાંથી રંગબેરંગી ડિઝાઇન સાથે ચમક ધરાવતા પટોળા માત્ર હાથ વણાટથી તૈયાર કરવામાં આવે છે. આ હસ્તકલા ૯૦૦ વર્ષ જેટલી જૂની છે તેમ કહેવાય છે. આજના ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ આ કલાને જીવંત રાખવાનું કામ ગુજરાતમાં પાટણ, સુરેન્દ્રનગર રાજકોટ સહિતના શહેરોના કલાકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પરંતુ ગુજરાતની કલા અને સંસ્કૃતિને પણ વૈશ્વિક ફલક પર પહોચાડી રહ્યું છે. આગામી તા. ૧૦ જાન્યુઆરીથી રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ એક્ઝિબિશન દેશ વિદેશના નાગરિકોને રાજકોટની સાંસ્કૃતિક ધરોહર અને કલાનો પરિચય પણ કરાવશે.

રાજકોટના પટોળા કલાકારો રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને લઈને ખુબજ ઉત્સાહિત છે. આ એક્ઝિબિશનમાં પટોળા ગૃહ ઉદ્યોગને પણ પ્રદર્શન કરવાનો મોકો મળવાનો છે, ત્યારે કલાકાર શ્રી ચંદ્રેશભાઈ રાઠોડ જણાવે છે કે, અમારી ત્રણ પેઢી હાથ વણાટ પટોળા ગૃહ ઉદ્યોગમાં વંશ પરંપરાગત રીતે જોડાયેલી છે. હાલ અમારા પરિવારના પુરુષ, મહિલા સહીત અમે ૧૫ સભ્યો પટોળા, દુપટ્ટો વગેરે બનાવીએ છીએ. પહેલા લોકો માત્ર રેફરન્સથી ખરીદી માટે આવતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હસ્તકલા મેળાઓના આયોજનથી અમને વધુ ઓળખ મળી છે. આ વાઇબ્રન્ટથી વિદેશમાં પણ હવે પટોળાનું વેચાણ કરી શકીશું તેમ, શ્રી ચંદ્રેશભાઈ વિશ્વાસ સાથે જણાવે છે.

રાજકોટના અન્ય પટોળા કારીગર શ્રી દીપકભાઈ વોરા જણાવે છે કે, અમારે ત્યાંથી રાજકોટના રાજવી પરિવાર, ફિલ્મ સ્ટાર્સ અને એન.આર.આઈ. લોકો ખરીદી કરે છે. પટોળા હાથ વણાટથી બને છે જેમાં ખાસ્સો સમય લાગે છે. જેમાં રેશમ અને સોનેરી જરીનો ઉપયોગ થાય છે એટલે તેની કિંમત પણ ઊંચી હોઈ છે. લોકો જ્યારે આ કામગીરી પોતાની નજર સમક્ષ નિહાળે છે ત્યારે અમારી મહેનતની કદર થાય છે. શ્રી દીપકભાઈના પરિવારના યુવા સભ્યો હવે વેબ પોર્ટલ અને ડિજિટલ માધ્યમથી પટોળાની આકર્ષક કિંમત મેળવી રહ્યા છે.

જી-આઈ ટેગથી પટોળાને વિશ્વસનીયતા સાથે નવી ઓળખ મળી છે
રાજકોટના પટોળાને હવે જી-આઈ ટેગ પણ મળ્યો હોઈ પટોળાની વિશ્વસનીયતામાં વધારો થયો છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગને વધુ એક્સપોઝર મળશે અને આ કલાને જીવંત રાખતા કારીગરોના ઉત્સાહમાં વધારો થશે તેમ ચોક્કસપણે કહી શકાય. સાડી ઉપરાંત પટોળા લહેંગા, દુપટ્ટા, પટોળા શાલ, પોટલી પર્સ, ક્લચ પર્સ, મોજડી તથા પુરુષો માટે પટોળા ટાઈ, જેકેટ (કોટિ)નું પણ માંગ મુજબ ઉત્પાદન કરવામાં આવે છે.
ખુબજ ધૈર્ય અને ખંત સાથે કરવામાં આવતી હાથ વણાટની પટોળા હસ્તકલા ભારતની વિશિષ્ટ કલા છે. રાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગના ૧૫૦થી વધુ પરિવારના ૭૦૦થી વધુ લોકો આ કલાને આગળ ધપાવી રહ્યા છે. આધુનિક સમયમાં નવા કલેવર ડિઝાઇન સાથે બનતા પટોળાના માર્કેટિંગ માટે હવે નવી પેઢી ડિજિટલ માધ્યમનો સહારો પણ લઈ રહી છે.
હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન મેળા થકી હાથ વણાટથી બનતા પટોળાને મળ્યું નવજીવન
રાજકોટના પટોળાને જીવંત રાખવામાં વેચાણ સહ પ્રદર્શન માટે રાજ્ય સરકારના હસ્તકલા એકમ ગરવીગુર્જરી સહિતની સંસ્થાઓ મદદે આવી છે. અનેક કલાકારોને તેમની કારીગરી નિદર્શનનો મોકો મળ્યો છે, ત્યારે રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આ કલાને વધુ એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે તેમ કલાકારો માની રહ્યા છે.

પટોળા કેવી રીતે તૈયાર થાય છે ?
પટોળા બનાવતા પહેલા તેની ડિઝાઇન નક્કી થાય છે. જેમાં રંગબેરંગી પાન, ચંદ્ર, પતંગિયા, હાથી, પોપટ, રંગોળી, લેરિયા સહિતના એલીમેન્ટ્સ નક્કી થાય છે. સૌ પ્રથમ પટોળાનું રો મટીરીયલ એટલે મલબારી રેશમ જે ખાસ પ્રકારના કીડામાંથી તૈયાર કરવામાં આવે છે તેને બાંધવામાં આવે છે. ડિઝાઇન મુજબ તેમાં ગાંઠ બાંધી એક પછી એક કલર ચડાવવામાં આવે છે. ત્યારબાદ બધા તારને છુટા પાડી રીલ તૈયાર કરવામાં આવે છે. જેને વણાટ મશીન પર ચડાવવામાં આવે છે. ઉભા તાર માટે બેકગ્રાઉન્ડ કલરના તાર અને બોર્ડર માટે સોનેરી વરખના તાર સાથે વણાટકામ કરવામાં આવે છે. જેમાં સિંગલ ઇકત ડબલ ઇકત એમ બે પ્રકારે મશીન પર તારનું વણાટ કરવામાં આવે છે.

પટોળાની ખાસિયત..
રાજકોટના સિંગલ ઈકત પટોળા એ એક પરંપરાગત રીતે હાથવણાટની સાડી છે. આ સાડીઓ તેમની જટિલ ડિઝાઇન, વાઇબ્રન્ટ રંગો અને દોષરહિત વણાટ માટે જાણીતી છે. એક પટોળું તૈયાર કરતા લગભગ ૩૦ થી ૪૫ દિવસ જેટલો સમય લાગે છે. પટોળા માત્ર રેશમની દોરીમાંથી તૈયાર કરવામાં આવે છે. જેથી તેની ગુણવત્તા, મજબૂતાઈ અને ચમક જળવાઈ રહે છે. પટોળાનું આયુષ્ય ૫૦ વર્ષથી પણ વધુ રહે છે. તેની આગવી ડિઝાઇન અને કલર કોમ્બીનેશનના કારણે તેની ખુબસુરતી વર્ષો સુધી અકબંધ રહે છે.