પાક. ઓડિયો લીક: ગુપ્તચર એજન્સીનો હાથ હોવાની શક્યતા

પાકિસ્તાનની અનેક રાજકીય હસ્તીઓના વાતચીતનો ઓડિયો લીક થતા ખળભળાટ મચી ગયો છે. પીએમઓમાં થયેલી વાતચીતના કુલ ચાર ઓડિયો ક્લિપ બહાર આવ્યા છે. તે 100 કલાકથી પણ વધુ લાંબા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પણ આ લીક સાથે સંકળાયેલા છે.
તેમના તત્કાલીન મુખ્ય સચિવ આઝમ ખાન સાથે વાતચીત કરતા ઓડિયો લીક થયા છે. ઈમરાને કહ્યું કે પીએમ આવાસમાં તેમની અને આઝમ વચ્ચે થયેલી વાતચીત લીક થવી એ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે. આ દેશ માટે ખતરો છે. ઓડિયો ફાઈલ્સ લીક થયા પછી પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને પીએમ શાહબાઝના રાજીનામાની માગ કરી હતી.
બીજી બાજુ પીએમ શાહબાઝે આ મામલે તપાસ માટે વિશેષ સમિતિ બનાવી છે. શાહબાઝે કહ્યું કે આ ગંભીર ચૂક છે. જો આવું જ થતું રહેશે તો પીએમ હાઉસમાં વડાપ્રધાનને મળવા કોણ આવશે? લોકો 100 વખત વિચારશે. શાહબાઝે કહ્યું કે મને સત્તામાંથી બેદખલ કરવા આ કાવતરું ઘડાયું છે.
રાજકીય નિષ્ણાત ઈમ્તિયાઝ ગુલ અનુસાર ઓડિયો લીક થવું ઈમરાનની તરફેણમાં છે. તેનાથી તેમને રાજકીય લાભ થવાની આશા છે. ગુલે કહ્યું કે પીએમઓથી લીક ઓડિયો ફાઈલ્સ પાછળ હાઈ-પ્રોફાઈલ ગુપ્તચર એજન્સીઓનો હાથ હોઈ શકે છે. લીકનો ઉદ્દેશ્ય નેતાઓને તેમની રાજકીય હદમાં રહેવાની ચેતવણી હોઈ શકે છે.