રાજકોટમાં બે વેપારીએ ડબલ પ્રોફિટની લાલચમાં છેતરાયા

રાજકોટ શહેરના લીમડા ચોકમાં ઇમ્પીરીયા બિલ્ડિંગમાં કન્સલટનસી સર્વિસ નામે કંપની ખોલી તેમાં રોકાણ કરવાની લાલચ આપી વર્ષે 60 % પ્રોફિટની જાહેરાત આપી બે રોકાણકારો સાથે રૂ.9.50 લાખની છેતરપિડી આચર્યા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ઊંચા વળતરની લાલચ આપી
છેતરપિડીના બનાવ અંગે દરબારગઢ પાસે કરશનજી મૂળચંદ શેરીમાં રહેતા અમિતભાઈ ગાંધી (ઉ.વ.45)એ ફરિયાદમાં લીમડા ચોકના ઈમ્પીરીયા બિલ્ડીંગમાં કન્સલટનસી મેસર્સ ન્યારા નામની ઓફિસ ધરાવતા વડોદરાના સંદિપ જવાહરલાલ ઘુચલાનું નામ આપી અને તે શખ્સ ઊંચા વળતરની લાલચ આપી બે વ્યક્તિ સાથે રૂ. 9.50 લાખની છેતરપીંડી કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સંદિપનો પરીચય કરાવ્યો
દરબારગઢમાં રહેતા અને ચાંદીનું જોબવર્ક કરતા અમિતભાઈ વિનોદરાય ગાંધીએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તેના મિત્ર પ્રશાંત બી.ચાંપાનેરીયાને એકાદ વર્ષ પહેલા ઈન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી સંદિપભાઈએ આરોપી સંદિપનો પરીચય કરાવ્યો હતો. ઓફિસે મુલાકાત થતા સંદિપે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી 12 મહિના બાદ સારૂ વળતર મળશે તેમ કહ્યું હતું. જેથી તેણે રૂ.1.50 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. 12 મહિના બાદ સંદિપે નફા સાથે રૂ.2.40 લાખ પરત આપવાની વાત કરી હતી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરી રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું.
રૂ.1.60 લાખ પરત આપવાનું વચન આપ્યું
નક્કી થયા મુજબ તેણે રૂ. 1.50 લાખના બે ચેક સંદિપને આપ્યા હતા. ગઈ તા.25.02.2021 ના રોજ મિત્ર સંદિપભાઈએ રૂ. 7 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ તેને સંદિપે રૂ. 11.20 લાખ મળશે તેવું કહી તેની સાથે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ સાઈન કર્યું હતું. પરીણામે સંદિપભાઈએ તેને ચેકથી રૂ. 7 લાખ આપ્યા હતા. ગઈ તા. 8.07.2021 ના રોજ તેણે વધુ રૂ.1 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ બાદ નફા સાથે રૂ.1.60 લાખ પરત આપવાનું વચન આપ્યું હતું.