'તુનિષાનું મર્ડર થયું છું, હું દાવા સાથે આ કહી શકું છું': પ્રત્યુષના બેનર્જીના પિતાનું દુઃખ છલક્યું

તુનિષા શર્માની આત્મહત્યા ઇન્ડસ્ટ્રી માટે ઘણી જ શોકિંગ છે. પોલીસ આ કેસને સોલ્વ કરવામાં બિઝી છે. તુનિષા આત્મહત્યા કેસમાં હવે ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રત્યુષા બેનર્જીએ 2016માં પહેલી એપ્રિલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

શંકર બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તેમણે તુનિષા અંગેના સમાચાર વાંચ્યા તો તેમને ઘણું જ દુઃખ થયું હતું. તેમના મનમાં જૂના ઘા ફરી તાજા થઈ ગયા હતા. પિતા હોવાને કારણે તુનિષાની માતાની સ્થિતિ તે સારી રીતે સમજી શકે છે.

તુનિષાનું મર્ડર થયું છે
વધુમાં શંકર બેનર્જીએ કહ્યું હતું કે તે તુનિષા શર્મા આત્મહત્યા કેસને જેટલું સમજે છે તેના પરથી આ મર્ડર જ લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તમામ મર્ડરને સુસાઇડનું રૂપ આપી દેવાયું છે. સુશાંત સિંહ રાજપૂત સાથે પણ આવું જ કંઈક થયું હતું. એક માતાએ પોતાની 20 વર્ષીય દીકરી ગુમાવી દીધી છે. તેમણે પત્ની સોના બેનર્જી સાથે આ અંગે વાત કરી તો બંને રડી પડ્યાં હતાં.
શંકર બેનર્જીએ આગળ કહ્યું હતું કે તમારી આસપાસ ઘણાં લોકો હોય તો તમે કેવી રીતે આ પ્રકારનું પગલું ભરી શકો. જો કોઈ વ્યક્તિ સુસાઇડ કરે તો તે કોઈ નોટ કે પત્ર લખીને જાય છે. આમ કરીને તે બીજાને તકલીફ પડવા દે નહીં. આ 100% મર્ડરનો કેસ છે.

તે પ્રત્યુષા બેનર્જીના પિતા હોવાને નાતે જાહેરમાં કોઈનો ડર રાખ્યા વગર કહે છે કે તુનિષા સુસાઇડ કરી શકે નહીં. તે આજે પણ દીકરીને ન્યાય મળે તે માટે ભટકે છે. બૂમો પાડી પાડીને કહે છે કે તેમની દીકરીને મારી નાખવામાં આવી છે, પરંતુ કોઈ સાંભળતું નથી. તેમની દીકરી સાથે જે થયું, તે બીજી કોઈની દીકરી સાથે થવું જોઈએ નહીં.
તુનિષાને ન્યાય મળે
શંકર બેનર્જીએ દુઃખી સ્વરે કહ્યું હતું કે તુનિષાની માતા સાથે આવું થવું જોઈએ નહીં. તેમને ન્યાય મળવો જોઈએ. તેઓ તેમની સાથે છે. તેમની દીકરીને પણ ટ્રેપ કરવામાં આવી હતી. તેને જાળમાં ફસાવી દેવામાં આવી. જ્યારે પ્રત્યુષા આમાંથી બહાર નીકળવા માગતી હતી તો તેને મારી નાખવામાં આવે. તેમણે ન્યાય માટે ઘણું સહન કર્યું છે. તેમણે પૈસા, નામ બધું જ ગુમાવી દીધું છે. આજે તેઓ એક રૂમમાં રહે છે અને પત્ની નાના બાળકોની આયાનું કામ કરે છે. જોકે, તેમણે હિંમત હારી નથી. તેમના જીવનનો એક જ હેતુ છે કે અંતિમ શ્વાસ સુધી દીકરીને ન્યાય મળે તે માટે લડતા રહેવું. તુનિષાની માતાનો વિચાર આવતા જ ધ્રુજી જવાય છે. ભગવાન તેમને હિંમત આપે.

કોણ હતી પ્રત્યુષા બેનર્જી?
પ્રત્યુષાનો જન્મ 10 ઓગસ્ટ, 1991માં જમશેદપુરમાં સામાન્ય પરિવારમાં થયો હતો. તેણે જમશેદપુરની કેરળ પબ્લિક સ્કૂલ, કદમામાં 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રત્યુષાના ઘરે ટીવી પણ નહોતી. પ્રત્યુષાએ નાનપણથી સ્ટેજ શો, ડ્રામા અને ફેશન શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ‘કાલિદાસ’ નામના નાટકમાં રોલ પણ પ્લે કર્યો હતો. 17 વર્ષની ઉંમરમાં પ્રત્યુષા 'બાલિકાવધૂ'માં આનંદીના રોલથી છવાઈ ગઈ હતી. પ્રત્યુષા પણ તેના પેરેન્ટ્સની એકની એક દીકરી હતી. પ્રત્યૂષાના કોલ ડિટેઇલની ટ્રાન્સ્ક્રિપ્ટ પરથી એ વાતનો ઘટસ્ફોટ થયો હતો કે બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ તેને પ્રોસ્ટીટ્યુટ બનવા માટે પ્રેશર કરતો હતો. પ્રત્યુષા તથા રાહુલ રાજ સિંહ મુંબઈમાં લિવ ઇનમાં રહેતા હતા. 24 વર્ષીય પ્રત્યુષાએ પહેલી એપ્રિલ, 2016ના રોજ ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.