ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ; અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- સરકારી ખજાનો વધશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ' લોન્ચ કર્યું. કાર્ડની કિંમત 1 મિલિયન ડોલર (લગભગ 8.97 કરોડ રૂપિયા) રાખવામાં આવી છે. જોકે, કંપનીઓએ 2 મિલિયન ડોલર ચૂકવવા પડશે.
ટ્રમ્પે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં 'ગોલ્ડ કાર્ડ' નામથી એક નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, તે સમયે તેમણે તેની કિંમત 5 મિલિયન ડોલર (44 કરોડ ભારતીય રૂપિયા) રાખી હતી. બાદમાં તેને ઘટાડીને 1 મિલિયન ડોલર કરવામાં આવી.
ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા ખાસ અધિકાર આપશે. અમેરિકામાં કાયમી ધોરણે રહેવા માટે ગ્રીન કાર્ડની જરૂર પડે છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ્સ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ સૌથી શ્રેષ્ઠ છે. તે 1990 થી અમલમાં છે. આમાં વ્યક્તિ કોઈપણ રોજગાર આપનાર નોકરીદાતા સાથે બંધાયેલા નથી હોતા અને અમેરિકામાં ગમે ત્યાં રહીને કામ કરી શકે છે અથવા અભ્યાસ કરી શકે છે. તેને મેળવવામાં 4 થી 6 મહિના લાગે છે.
EB-4 વિઝા પ્રોગ્રામનો હેતુ વિદેશી રોકાણ મેળવવાનો છે. આમાં લોકોએ કોઈ એવા વ્યવસાયમાં 1 મિલિયન ડોલરનું રોકાણ કરવું પડે છે, જે ઓછામાં ઓછી 10 નોકરીઓનું સર્જન કરતો હોય. આ વિઝા પ્રોગ્રામ રોકાણકાર, તેના પતિ કે પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અમેરિકી કાયમી નાગરિકતા આપે છે.