ટોપ-10 કંપનીઓમાંથી 9ની વેલ્યુ ₹2.51 લાખ કરોડ ઘટી
ગયા અઠવાડિયે બજારમાં ઘટાડાને કારણે ટોપ-10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 9 કંપનીઓની માર્કેટ વેલ્યુએશન 2.51 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. આમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુએશન 96,960.17 કરોડ ઘટીને 18.75 લાખ કરોડ રહી ગઈ.
છેલ્લા 5 કારોબારી દિવસોમાં BSE સેન્સેક્સમાં 2,032.65 પોઈન્ટ અથવા 2.43% નો ઘટાડો જોવા મળ્યો. નિષ્ણાતો માને છે કે વૈશ્વિક તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ, રૂપિયાની નબળાઈ અને નબળી કોર્પોરેટ કમાણીને કારણે બજાર પર દબાણ આવ્યું છે.
રિલાયન્સ અને ICICI બેંકમાં સૌથી વધુ ઘટાડો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુએશન 96,960 કરોડ ઘટી ગઈ. ICICI બેંકની 48,644.99 કરોડ ઘટી, જે 9.60 લાખ કરોડ થઈ ગઈ. HDFC બેંકની 22,923.02 કરોડ ઘટીને 14,09 લાખ કરોડ રૂપિયા પહોંચી. જ્યારે ભારતી એરટેલની વેલ્યુએશન 17,533.97 કરોડ ઘટી, જે 11,32 લાખ કરોડ રહી ગઈ.
TCSની માર્કેટ વેલ્યુ 16,588.93 કરોડ ઘટીને 11.43 લાખ કરોડ થઈ. L&Tની 15,248.32 કરોડ ઘટીને 5.15 લાખ કરોડ પહોંચી. બજાજ ફાઇનાન્સની 14,093.93 કરોડ ઘટી, જે 5.77 લાખ કરોડ રહી ગઈ. SBIની વેલ્યુએશન 11,907.5 કરોડ ઘટીને 9.50 લાખ કરોડ થઈ. ઇન્ફોસિસની 7,810.77 કરોડ ઘટીને 6.94 લાખ કરોડ પહોંચી. હિન્દુસ્તાન યુનિલિવરનું વેલ્યુએશન 12,311.86 કરોડ વધીને 5.66 લાખ કરોડ થઈ ગઈ.
માર્કેટ કેપિટલાઇઝેશન શું હોય છે?
માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર એટલે કે હાલમાં તેના શેરધારકો પાસે રહેલા તમામ શેરનું મૂલ્ય છે. તેની ગણતરી કંપની દ્વારા જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે.