ટીમ ઈન્ડિયા ઘરઆંગણે નાલેશીભર્યા વ્હાઇટ વોશના આરે
સાઉથ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હાર અને ક્લીન સ્વીપનું જોખમ તોળાઈ રહ્યું છે. જીત માટે 549 રનના અશક્ય ટાર્ગેટના જવાબમાં ભારતે ચોથા દિવસના સ્ટમ્પ્સ સુધી 2 વિકેટ ગુમાવીને માત્ર 27 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન અને કુલદીપ યાદવ અણનમ પરત ફર્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 13 અને કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયા.
આ પહેલાં સાઉથ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગ્સ 260/5ના સ્કોર પર ડિક્લેર કરી દીધી. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં 489 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ 201 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને ટેસ્ટ જીતવા માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો.
સાઉથ આફ્રિકાએ પહેલો ટેસ્ટ મેચ 30 રનથી જીતી હતી. જો ટીમ ગુવાહાટી ટેસ્ટ પણ જીતી લે છે, તો તે ભારત સામે ભારતમાં 25 વર્ષ પછી સિરીઝ જીતવા અને ક્લીન સ્વીપ કરવામાં સફળ થશે. સાઉથ આફ્રિકાએ વર્ષ 2000માં ભારતને બે ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0 થી હરાવ્યું હતું. હવે મેચનો પાંચમા અને છેલ્લા દિવસની ગેમ આવતીકાલે બુધવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે.