TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર
રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર કે જે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર છે તેના જામીન આજે રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. તાજેતરમાં જ મનપાના અધિકારીઓ મનસુખ સાગઠિયા, ઇલેશ ખૈર,ભીખા ઠેબા અને જમીનના માલિકના જમીન મુક્ત થયા હતા ત્યારે હવે બાકી રહેલા એક આરોપીનો પણ જામીન પર છૂટકારો થઈ ગયો છે.
ટીઆરપી ગેમઝોનના સંચાલકના જામીન મંજૂર ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત નિપજ્યા હતા જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કન્હેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા (જૈન) હતા.
આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજી સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.