તમિલનાડુમાં બે બસોની ભયાનક ટક્કર, 11નાં મોત
તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપત્તૂર પાસે રવિવારે બપોરે બે બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં 8 મહિલાઓ, 2 બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. શિવગંગાના એસપી શિવા પ્રસાદના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.
ઘટનાના જે ફોટો-વીડિયો સામે આવ્યા છે, તેમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો ડ્રાઈવર સાઈડથી અથડાઈ હતી. ટક્કરના કારણે બસોનો કાટમાળ રસ્તા પર ફેલાઈ ગયો હતો. લોકોના મૃતદેહો સીટોમાં ફસાયેલા હતા.
લોકોએ મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જ્યારે, સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા.