વિશ્વનું જ્વેલરી રિપેરિંગ માર્કેટ 46 હજાર કરોડ આંબશે, ભારતમાં 10 હજાર કરોડનો બિઝનેસ

વિશ્વના જેમ્સ અને જ્વેલરી માર્કેટમાં ભારત ટોચના ત્રણમાં સ્થાન ધરાવે છે. તે કટ અને પોલિશ્ડ હીરાનું વિશ્વનું સૌથી મોટું નિકાસકાર છે અને સોનાના આભૂષણો, ચાંદીના ઝવેરાત અને લેબગ્રોન ડાયમંડમાં બીજા સ્થાન પર છે.
હવે ભારતને વિશ્વનું જ્વેલરી રિપેરિંગ હબ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી અનુસાર ભારતમાં મોટાભાગની જ્વેલરી હાથથી બનાવવામાં આવે છે અને ભારતમાં ઘણા કુશળ કારીગરો છે. આવી સ્થિતિમાં જો સરકાર જ્વેલરી રિપેરિંગ પોલિસી લાવે તો દેશને દુનિયાનું જ્વેલરી રિપેરિંગ હબ બનાવી શકાય છે.
વૈશ્વિક જ્વેલરી રિપેરિંગ માર્કેટમાં ભારતનો 3% હિસ્સો વધારીને 10-20% કરવાનો પ્રયાસ. જ્વેલરી માટે મોટું બજાર હોવા છતાં વિશ્વના જ્વેલરી રિપેરિંગ માર્કેટમાં ભારતનો હિસ્સો માત્ર 3% છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા અનુસાર વિશ્વનું જ્વેલરી રિપેરિંગ માર્કેટ હાલમાં 39000 કરોડ રૂપિયાનું છે.
તે 2026 સુધીમાં 6.2%ના CAGRથી વધીને લગભગ રૂ. 46,700 કરોડ થવાની ધારણા છે. જોકે તેમાં ભારતનો હિસ્સો માત્ર 3% રહેશે. અમેરિકાનો હિસ્સો સૌથી વધુ 30% હશે જ્યારે ચીનનો હિસ્સો 9.2% હશે. પરંતુ જો પ્રયાસો કરવામાં આવે અને સરકાર જ્વેલરી રિપેરિંગ પોલિસી લઈને આવે તો ભારતનો હિસ્સો 20% સુધી વધારી શકાય છે.
અબજો ડોલરનો બિઝનેસ-અઢળક રોજગારીની તક
ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીનું માર્કેટ લગભગ 6 લાખ કરોડ રૂપિયા છે. રિપેરિંગ હબ બન્યા બાદ આગામી 3-5 વર્ષમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થશે અને લગભગ 80 હજારથી 1 લાખ નવી નોકરીઓ ઉમેરાશે.
જ્વેલરી રિપેરિંગ પોલિસીના ફાયદા
1 જ્વેલરી રિપેરિંગ ક્ષેત્રે વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સ જેમ કે Cartier, Boucheron, Costello, Joseph Gahn, Le Carroll ભારતમાં તેમના સર્વિસ સેન્ટર ખોલશે. હાલમાં, તેમના સર્વિસ સેન્ટર દુબઈ, તુર્કી, હોંગકોંગ જેવા સ્થળોએ છે.
2 ભારતમાં જ્વેલરી રિપેરિંગ હબ બનવાથી, જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ ટેક્નોલોજીને અપગ્રેડ કરવામાં આવશે.
3 જેમ દુનિયાભરમાંથી હીરા કટિંગ અને પોલિશિંગ માટે ભારતમાં આવે છે, તેવી જ રીતે જ્વેલરી પણ રિપેરિંગ માટે આવશે.
4 મેન્યુફેક્ચરિંગની જેમ જ જ્વેલરી રિપેરિંગ સેક્ટરમાં પણ નવી નોકરીનું સર્જન થશે.
10-20% હિસ્સો મેળવવાની ક્ષમતા
ભારતમાં કુશળ કારીગરો હાથથી બનાવેલી જ્વેલરી બનાવે છે તેને ધ્યાનમાં રાખીને ભારત જ્વેલરી રિપેરિંગના ક્ષેત્રમાં પણ વધુ સારું પ્રદર્શન કરશે. ભારત વૈશ્વિક બજારમાં 10-20% હિસ્સો મેળવવાની ક્ષમતા ધરાવે છે. માત્ર લાખો નવી નોકરીઓ જ નહીં પરંતુ અબજો ડોલરનો બિઝનેસ પણ મળશે. > વિપુલ શાહ, ચેરમેન, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ