આટકોટની શિવશક્તિ સોસા.માં પાણીની લાઇન રિપેર કરવાનો સમય તંત્ર પાસે નથી

આટકોટના કૈલાશ નગરમાં આવેલી શિવ શક્તિ સોસાયટી નજીક રસ્તા પર ગ્રામપંચાયતની નળ કનેકશનની લાઈન તૂટી ગઇ હોવાથી પાણીના ખાબોચિયા ભરાઇ જતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણીની લાઇન ઘણા સમયથી તૂટેલી હોય જ્યારે નળ આપવામાં આવે છે ત્યારે પાણીના ઉંચે સુધી ફુવારા ઉડે છે. આશરે 20 ફુટ લાંબી લાઇન ત્રણ જગ્યાએથી તૂટેલી હોવાથી પાણી વપરાય તેના કરતાં વધુ વેડફાઇ જાય છે.
અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીના ખાબોચિયા ભરાતા અને પાણીનો નાહકનો બગાડ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે પડતર પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અહીંના એક રહીશ જગદીશભાઇ અગોલા જણાવે છે કે, અમે અવાર-નવાર લાઇન રીપેર કરવાની રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. પરિણામે બે-ત્રણ ઘરોને પાણી મળે એટલું પાણી વહીને વેડફાઇ જાય છે. બે કલાક પાણી આપવામાં આવે છે, ત્યાં સુધી તૂટલી લાઇનમાંથી પાણી વહ્યા કરે છે. તેઓ વધુમાં જણાવે છે કે, અનેક વાર ગ્રામપંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલા લેવાયા નથી.
આ રીતે પાણી વહી જતા એક તો લોકોને પૂરતું પાણી મળતું નથી અને બીજું રસ્તા ભીના રહેતા અવર-જવર કરવામાં પણ રહિશોને મુશ્કેલી પડે છે. રસ્તા ભીના રહેતા મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા નવી લાઇન નાખવાની તંત્ર સમક્ષ માંગણી ઉઠી રહી છે.