સોસાયટીના રહીશોએ ખર્ચ કરી રાતોરાત એલઇડી લાઇટો નખાવી

મહાવીર રેસિડેન્સિમાં રહેતી નર્સ પર શુક્રવારે રાત્રે બનેલી ઘટનાથી આ વિસ્તારના લોકો ફફડી ગયા હતા, અઢી વર્ષથી મનપામાં રજૂઆત કરવા છતાં મનપાએ સ્ટ્રીટલાઇટ નહી નાખતા નરાધમે એકલી નર્સ પર હુમલો કર્યો હતો, મહાનગરપાલિકા તંત્રના ભરોસે રહીને હજુ પણ વર્ષો વીતી જાય અને અન્ય મહિલાઓ કે યુવતીઓ આવી ઘટનાનો ભોગ બને તે પહેલા મહાવીર રેસિડેન્સિના રહીશોએ પોતાના ખર્ચે રાતોરાત લાકડાના થાંભલા ઉભા કરી તેમાં એલઇડી લાઇટ ફિટ કરાવી દીધી હતી, ટેક્સ ભરવા છતાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે ખર્ચ કરવો પડે તે મનપાના અધિકારીઓ અને શહેરના રાજનેતાઓ માટે શરમજનક છે તેવો આક્રોશ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો.
મનપાના પાપે સોસાયટીમાં અંધારા, રહીશો પ્રાથમિક સુવિધા માટે તડપે છે
મહાવીર રેસિડેન્સિમાં રહેતા અંકિતભાઇ માણેક, કિશનગીરી ગોસ્વામી, જીજ્ઞેશ જોષી અને જીગર ગોસ્વામીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મહાવીર રેસિડેન્સિમાં 7 વિંગ અને 192 ફ્લેટ છે, 2011માં આ રેસિડેન્સિ બની ત્યારે આ વિસ્તાર રૂડામાં હતો, બિલ્ડરે ફ્લેટ સોંપ્યા ત્યારે આ વિસ્તાર ગ્રામપંચાયત અને રૂડામાં આવતો હોવાથી આ વિસ્તારમાં રોડ, લાઇટ અને પાણીની વ્યવસ્થા કરી આપવા અનેક વખત રજૂઆત કરી હતી.
પરંતુ કોઇ કામગીરી થઇ નહોતી, અઢી વર્ષ પહેલા આ વિસ્તારમાં મહાનગરપાલિકામાં ભળતા પ્રાથમિક સુવિધા મળશે તેવો આશાવાદ જાગ્યો હતો, મપનામાં પણ અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં સ્ટ્રીટલાઇટ, પાણી અને રસ્તાની સુવિધા મળી નથી, જામનગર રોડથી મહાવીર રેસિડેન્સિ સુધીનો રસ્તામાં અંધારાનું સામ્રાજ્ય છે, રાત્રીના સમયે આ વિસ્તારની મહિલાઓ-યુવતીઓ એકલા બહાર જઇ શકતા નથી.