રાજકોટ કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો

રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના
મુળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધો હતો
વોન્ટેડ રહ્યાના સમય દરમિયાન દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ ક્યાં આશરો લીધો હતો તે મુદ્દે પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધાનું જણાવી રહ્યો છે. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.

પોલીસ માત્ર વાતો કરતી હતી!
જો કે દેવાયત ખવડ અને પોલીસના નિવેદનો વચ્ચે ભેદ જોવા મળી રહ્યો છે. બનાવના 10 દિવસ સુધી ફરાર રહેતા પોલીસ તેના વતનમાં પણ શોધખોળ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જો વતનમાં શોધ કરી હતી તો આરોપીઓ પોલીસને હાથે કેમ ન આવ્યા? કે પછી કલાકાર હોવાના કારણે તપાસના નામે પોલીસ માત્ર વાતો કરતી હતી! તે પણ સવાલો ઉદભવી રહ્યા છે.

હથિયારો પહેલેથી જ કારમાં પડ્યા હોવાનું રટણ
આ સમગ્ર ઘટનાનો જે વીડિયો વાઇરલ થયો હતો તેમાં દેવાયત ખવડ હુમલો કર્યા બાદ પાછળની દિશામાં કોઈને ઈશારા કરતો હોવાનું દેખાયું છે. ત્યારે તેની સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે તેની પૂછપરછ કરતા કહ્યું કે, જ્યાં ઈશારો કર્યો તે તરફ લોકો એકત્રિત થઈ ગયા હતા. જેથી તેમને ત્યાંથી જવા માટે ઈશારો કર્યો હતો. બાકી તેની સાથે કોઈ અન્ય આરોપીઓ પાછળ આવ્યા નહોતા. એટલું જ નહીં હથિયારો પહેલેથી જ કારમાં પડયા હોવાનું રટણ કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.
મયૂરસિંહે પોલીસને બે મહિના પહેલાં અરજી કરી હતી
આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતાં નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે 'તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ..' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.
દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ રહ્યું
દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મૂળીદૂધઈ ગામનો વતની છે. આ જ ગામમાં તેણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેના પિતા દાનભાઈ ખવડ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળપણથી દેવાયત જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીને સાંભળતો હતો અને તેમની પ્રેરણાથી જ તે લોકસાહિત્યકાર બન્યો હતો. દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ ગુંજે છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં હરહંમેશ એક સંવાદ બોલે છે. એમાં બે વર્ષ પૂર્વે તેણે ‘રાણો રાણાની રીતે હો’ સંવાદ ડાયરા દરમિયાન બોલ્યો હતો અને આ સંવાદને કારણે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં સપડાયો હતો.