ચીનમાં નવો વેરિઅન્ટ જોખમી છે, આપણે ત્યાં શુ સ્થિતિ?

ચાઈનામાં ઓમિક્રોન વાઇરસનો બીએફ.7 વેરિઅન્ટ ખૂબ જ પ્રસરી રહ્યો છે અને કેસ ધડાધડ વધી રહ્યા છે. આ કારણે ભારતમાં પણ આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરાઈ છે. ખાસ કરીને ભાવનગરમાં ચાઈનામાં દેખાયેલા વેરિઅન્ટનો કેસ દેખાતા રાજ્યનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કચેરીએ બેઠક બોલાવવાને બદલે સ્થળ પર જ ચકાસણી કરવાનો નિર્ણય લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજમાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદી તેમજ વિવિધ વિભાગના વડા, તબીબો અને અધિકારીઓને બોલાવીને તૈયારીઓ જાણી હતી.
ખાસ કરીને નવા વેરિઅન્ટ મામલે તબીબી અભિપ્રાય મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટરે નવા વેરિઅન્ટના ભાવનગરના કેસ અંગે પૂછતા તબીબોએ જણાવ્યું હતું કે, તે દર્દી હાલ સ્વસ્થ હોવાનું તેમને વિગત મળી છે. આ ઉપરાંત અન્ય કેસોમાં પણ દર્દીને સામાન્ય લક્ષણો જ દેખાયા છે તેથી આપણે ત્યાં વાઇરસ હળવો છે. જેને લઈને કલેક્ટરે પ્રશ્ન કર્યો હતો કે, ચાઈનામાં નવો વેરિઅન્ટ જોખમી સાબિત થયો છે અને ત્યાં કેસ વધી રહ્યા છે આપણે ત્યાં શુ સ્થિતિ? ત્યારે તબીબોએ જવાબ આપ્યો હતો કે, આપણે ત્યાં વેક્સિનેશનનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે તેમજ હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે જ્યારે ચાઈનામાં જ્યાં પણ કેસ આવે એટલે તુરંત જ લોકડાઉન આવી જતું જેથી હર્ડ ઈમ્યુનિટી ડેવલપ નથી થઈ.
આ કારણે ત્યાં સ્થિતિ બગડી છે. આ ઉપરાંત ઓમિક્રોનના આપણે ત્યાં ઘણા કેસ આવી ચૂક્યા છે અને આ તેનો સબ વેરિઅન્ટ છે. મેજર વેરિઅન્ટથી આપણે એન્ટિબોડી હોવાથી પછી બાકીના નાના વેરિઅન્ટ સામે સુરક્ષા મળી જાય છે.
સિવિલના ઓક્સિજન પ્લાન્ટની મરામતમાં ધાંધિયા, તપાસની સૂચના
કોરોનાને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ સ્થળોએ નવા ઓક્સિજન પ્લાન્ટ મુકાયા હતા. જોકે તેના મેન્ટેનન્સમાં કંપનીઓએ ધાંધિયા શરૂ કરી દીધા છે. આ મુદ્દો બેઠકમાં ઉઠ્યો હતો તેને ગંભીર ગણાવીને જિલ્લા કલેક્ટરે ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને શા માટે આવું થઇ રહ્યું છે તેની તપાસના આદેશ આપ્યા છે.
જાન્યુઆરીમાં વેરિઅન્ટ દેખાશે પણ સામાન્ય શરદી જ હશે
સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નિષ્ણાતો સાથે ભાસ્કરે પૂછ્યું હતું કે, જે નવો વેરિઅન્ટ છે તેની તીવ્રતા કેટલી હશે. નિષ્ણાતોએ જણાવ્યું કે, આપણે ત્યાં અગાઉ ડેલ્ટા અને ઓમિક્રોનના કેસ ચૂક્યા છે. હાલ જે વેરિઅન્ટ છે તે બીએફ.7 સબ વેરિઅન્ટ એટલે કે પેટા પ્રકાર છે તેથી પહેલી વખત આવ્યો નથી. હાલની સ્થિતિ જોતા જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તેના કેસ દેખાશે જોકે માત્ર સામાન્ય શરદી જ હશે. અપર રેસ્પિરેટરી ઈન્ફેક્શન એટલે કે ગળા સુધી જ તેની અસર દેખાશે ફેફસાં સુધી પહોંચી શકશે નહિ. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, ઈમ્યુનોસરપ્રેશન ડ્રગ્સ લઈ રહ્યા છે તેમને તો સામાન્ય ઈન્ફેક્શન પણ જોખમી હોય છે તેથી તેમણે સાચવવું પડશે. - ભાસ્કર એક્સપર્ટ