રાજસ્થાનનો મીર પરિવાર ગામડે ગામડે ફરી ગાય છે માતાજીના ગરબા

રાજસ્થાનનો મુસ્લિમ પરિવાર પોતાની કલા મારફત રોજીરોટી રળવા સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી રહ્યો છે. ચાર સભ્યોનો આ મીર પરિવાર અમરેલી જિલ્લાના ગામડાઓમા ફરે છે અને માતાજીના ગરબા, સ્તુતિ અને વિર રસના ગીતો લલકારી પોતાની કલાના કામણ પાથરે છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખોબા જેવડા તીલવાડા ગામનો રહેવાસી આ મુસ્લિમ પરિવાર આર્થિક રીતે પછાત છે. મીર પરિવારના ચાર ભાઇઓ કલાકાર જીવ છે અને હાલમા સૌરાષ્ટ્રમા ગામડે ગામડે ફરી રહ્યાં છે. ગઇકાલે તેમણે સાવરકુંડલામા સનરાઇઝ સ્કુલની મુલાકાત લઇ મહેમાન ગતિ માણી હતી. કાઠીયાવાડી વાનગીનો સ્વાદ માણ્યો હતો અને રાજસ્થાની રસોઇ પણ ચખાડી હતી. આ મુસ્લિમ ભાઇઓ માતાજીના ગરબા અને સ્તુતિ આસ્થાથી ગાય છે.
અમારો આખો પરિવાર માતાજીના ગરબા ગાઇ
સૌથી મોટાભાઇ નિઝામખાન મીર જણાવે છે અમારો આખો પરિવાર માતાજીના ગરબા ગાઇએ છીએ એટલે પરિવારના એકપણ સભ્ય માંસ, મદીરા કે મચ્છીને કયારેય હાથ પણ અડાડતા નથી. તેમના એક ભાઇ શૌકતખાન મીર ઢોલક, સુમારખાન મીર હાર્મોનિયમ અને શાહરૂખખાન મીર રાજસ્થાની કરતાલ પર હાથ આપે છે. તેમને ગાતા સાંભળવા એ પણ એક લ્હાવો છે. વળી આ પરિવારમા દેશભાવના પણ ઠાંસોઠાંસ ભરેલી છે.
પાકિસ્તાનને લલકારતા ગીતોની જમાવટ
મીર પરિવાર દેશ પ્રેમના ગીતો ગાવા ઉપરાંત પાકિસ્તાનને લલકારી વીર રસથી ભરપુર ગીતો પણ રજુ કરે છે. એટલુ જ નહી વીર યોધ્ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભુત વાતો પણ રજુ કરે છે.