કોઈ સાથે વાત કરતાં સમયે મોબાઈલ જોવાની આદત ખોટી

બાળકો કંઈક પૂછી રહ્યા હોય ને તમારું ધ્યાન ફોનમાં હોય, તમારા મિત્રો વાત કરી રહ્યા હોય ને તમારું ધ્યાન ફોન પર હોય, પત્ની કંઈક કહી રહી હોય ને ધ્યાન ફોન પર હોય આ સ્થિતિને તમે ‘ફોન ફબિંગ’ કહી શકો. આનો અર્થ ફોનની આગળ તમારા અંગત લોકોને નજરઅંદાજ કરવા. તે ખૂબ જ ખતરનાક છે. તેના કારણે લોકો તમારાથી દૂર થઈ શકે અને તમને ખ્યાલ પણ રહેતો નથી.

ઓસ્ટ્રેલિયાની ચાર્લ્સ સ્ટુઅર્ટ યુનિવર્સિટીનાં અસિસ્ટન્ટ પ્રોફેસર અસ્લીમ અલ સગફે ‘ફબિંગ’ પર રિસર્ચ કરી. તેઓએ 170 બીજા રિસર્ચને સ્ટડી કરીને પછી એક બુક લખી ‘સાઈકોલોજી ઓફ ફબિંગ’. પોતાના પુસ્તકમાં તે કહે છે કે, ફબિંગ એક પ્રકારે આજુબાજુનાં લોકોને નજરઅંદાજ કરવું છે. બાળકો પર તેની સૌથી ખતરનાક અસર પડે છે. તે પોતાની જાતને તિરસ્કૃત સમજે છે. તેના કારણે તે ડિપ્રેશનમાં પણ જઈ શકે.

એવામાં બાળકોને પણ સ્માર્ટફોનની આદત લાગી જાય છે. તે સાયબર બુલિંગ શરુ કરી દે છે. ઓનલાઈન પોતાના મિત્રોને ચીડવે છે, તેની ઉપર ગુસ્સો ઠાલવે છે. આ કારણોસર માતા-પિતા બાળકો સાથે હોય ત્યારે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરે. સંપૂર્ણ ધ્યાન બાળકો પર જ રાખવું અને તેમની વાતો પણ ધ્યાનથી સાંભળવી.
પરિવારનો માહોલ તણાવભરેલો બની શકે
પતિ-પત્ની વચ્ચે ફોન ફબિંગનાં કારણે ઝઘડાનો માહોલ બની શકે. પાર્ટનર એકલું પડી જાય છે. ઘણીવાર શંકાશીલ પણ બની જાય છે. સંબંધમાં વિશ્વાસ પણ ઓછો થવા લાગે છે. તેના કારણે સંબંધોમાં સંતુષ્ટિનો એહસાસ પણ ઓછો થવા લાગે. પોતાનાં પાર્ટનરનું અટેન્શન મેળવવા માટે અથવા તો પોતાનું એકલતાપણું દૂર કરવા માટે બીજો પાર્ટનર પણ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે.

વર્કપ્લેસ પર ફબિંગ કામનો માહોલ બગડી જાય છે. ફબિંગ કરનારા બોસ પર કર્મચારીઓનો વિશ્વાસ ઓછો થઈ જાય છે. કર્મચારીઓનો ઉત્સાહ ઘટી જાય છે. ઘણીવાર કર્મચારીઓ તેને પોતાના આત્મસન્માન સાથે પણ જોડી લે છે. તે પછી કામ ટાળવા લાગે છે. અલ સદફ કહે છે કે, તે ઓફિસમાં ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ કરવાનું શરુ કરી દે છે. આ પ્રકારનાં કર્મચારીઓ પોતાના સાથી સાથે પણ ફબિંગ કરવા લાગે છે.

વારંવાર ફબિંગ કરનારા લોકો સાથે વાત કરો અને તેને ટોકો
જો કોઈ વાત કરતા સમયે વારંવાર ફોનમાં જોઈ રહ્યો હોય તો તેને તમે કહી શકો છો કે, પહેલા તે તમારી વાત સાંભળી લે ને પછી સાંભળે. જો આવું વારંવાર થઈ રહ્યું હોય તો નિરાંતે તેમની સાથે બેસીને વાત કરો. તેઓને જણાવો કે, તેની આ આદતનાં કારણે કઈ-કઈ તકલીફો થઈ રહી છે. આ પ્રકારની આદત વારંવાર ટોકવા પર જ છૂટે છે.
ઘરમાં નિયમ બનાવો કે, જમતાં સમયે ફોન સાથે ન રાખવો. પતિ-પત્ની એકબીજા સાથે વાત કરીને નક્કી કરો કે, તે બેડ પર ફોન લઈને ન સૂવે. કુટુંબનાં સભ્યો સાથે વાત કરતાં સમયે ફોન હાથમાં ન રાખવો.