સાંઢિયાપુલની ફાઈલ મનપાને પરત મોકલી કહ્યું, ફૂટપાથની ડિઝાઈન બદલો, ખર્ચ નહીં આપીએ

રાજકોટ શહેરમાં દાયકાઓ જૂનો સાંઢિયા પૂલ જર્જરિત અવસ્થામાં છે. આ બ્રિજ રેલવેની માલિકીનો છે પણ તેઓએ જડ વલણ રાખીને જાણે બ્રિજને કારણે કોઇ અકસ્માત થાય તો તેની જવાબદારી જ નથી તેવું માની બ્રિજ બનાવવાની સ્પષ્ટ ના પાડી છે. તેની સામે વાહનવ્યવહાર અને સુરક્ષાને ધ્યાને લઈને મનપાએ બ્રિજ બનાવવા તૈયારી દર્શાવી અને અડધો ખર્ચ માગ્યો તો તે માટે પણ ઈનકાર કરી દેવાયો છે. બ્રિજને લઈને કોઇપણ જવાબદારી ઉઠાવવા ન તૈયાર થતું રેલવે હવે મનપાને કામ કરવા પણ દેતું નથી અને ડિઝાઈનમાં પરિવર્તન કરાવવા માટે બીજી વખત ડ્રોઈંગ પરત મોક્લ્યું છે અને ફૂટપાથની વ્યવસ્થા નથી તેવું બહાનું કાઢ્યું છે.
સાંઢિયા પૂલ પર મનપાએ 4 લેનનો બ્રિજ બનાવવા માટે નક્કી કર્યું છે. આ બ્રિજ રેલવેની માલિકીનો હોવાથી રેલવે પાસે મંજૂરી લેવી જરૂરી બની છે. એક તરફ રેલવે ખર્ચ નથી આપી રહ્યું અને બીજી તરફ નાના વાંધાઓ કાઢીને મંજૂરીમાં પણ ઠાગાઠૈયા કરી રહ્યું છે. બે વખત ફાઈલ પરત મોકલાવ્યા બાદ હવે એવી માગ કરાઈ છે કે મનપાએ ભલે ફિઝિબિલીટી રિપોર્ટ તૈયાર કર્યો પણ હવે રેલવેને સાથે રાખીને ફરીથી જોઈન્ટ ફિઝિબિલીટી રિપોર્ટ તૈયાર કરવો જોઈએ.
આ નિર્ણયને કારણે સાંઢિયા પૂલમાં મંજૂરી માટેની શક્યતા જે 15 દિવસ હતી તે વધીને 2 મહિના થઈ ગઈ છે. રેલવેના ઈજનેરો સાથે ચર્ચા કરતા તેઓએ કહ્યું હતું કે, બ્રિજમાં ફૂટપાથ અંગે જોગવાઈ માટે ફાઈલ પરત મોકલી છે બધુ બરાબર હશે તો પણ મંજૂરી આવતા બે મહિના થઈ જશે. આ ઉપરાંત ખર્ચ માટે પણ ના પાડી દેવાઈ છે. આ તમામ ખર્ચ માત્રને માત્ર મનપાએ ઉપાડવાનો રહેશે.
બ્રિજ પહોળો કરવા જમીન સંપાદન પણ મહાનગરપાલિકા કરશે
હાલ બ્રિજમાં બે લેન છે જ્યારે બંને તરફના 4 લેન હોવાથી બ્રિજ પર ટ્રાફિક થાય છે. આ કારણે મનપાએ 4 લેનનો બ્રિજ બનાવવા નિર્ણય કર્યો છે. આ સાથે જ સર્વિસ રોડ પણ બનાવવાનો રહેશે તેથી વધારાની જમીનની જરૂર છે. આ જમીન માટે પણ રેલવેએ કોઇ પ્રતિસાદ ન આપતા હવે ખાનગી મિલકતોનુ સંપાદન કરવાનું કામ પણ મનપાએ ઉપાડી લીધું છે.
ભારે વાહનોને 150 ફૂટ રિંગ રોડે આવવું પડશે, નાના વાહનો માટે ભોમેશ્વર ફાટક
સાંઢિયા પૂલનું કામ શરૂ થવામાં ઉનાળો આવી જશે અને ત્યાં ચોમાસુ બેસી જતા કામ અટકી જશે. લગભગ દોઢથી બે વર્ષ કામ ચાલી શકે છે અને આ સમય દરમિયાન માધાપર ચોકડીએ ઓવરબ્રિજ તૈયાર થઈ જતા તે ટ્રાફિક પણ સાંઢિયા પૂલ તરફ વધી જશે. આ કારણે ડાયવર્ઝન મહત્વનો ભાગ બનશે. મનપાએ હાલ વિચારણા કરી છે કે માધાપર ચોકડીએ આવતો ટ્રાફિક ત્યાંથી જ 150 ફૂટ રિંગ રોડ તરફ વળીને રૈયા ચોકડીથી હોસ્પિટલ ચોક સુધી આવી શકશે અથવા શિતલ પાર્ક અને એરપોર્ટથી પણ 150 ફૂટ રિંગ રોડ પહોંચી શકશે. જો કે આ માત્ર ભારે વાહનો માટે વિકલ્પ છે. બાઈક અને અન્ય નાના વાહનો માટે આટલું ફરવું જરૂરી નથી. મનપા સાંઢિયા પૂલની પાસેથી જ રસ્તાનુ સમારકામ કરી ભોમેશ્વર ફાટક સુધીનુ ડાયવર્ઝન આપશે જેથી નાના વાહનો ત્યાંથી નીકળી શકશે.