અમેરિકામાં જામી ગયેલ તળાવ પર આંટો મારી રહેલ ત્રણ ભારતીયોના મોત, કારણ ચોંકાવનારું
અમેરિકામાં બરફના વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ દરમિયાન એક મોટો અકસ્માત બનતા ત્રણ ભારતીઓના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. અંગેની વિગત એવી છે કે 26 ડિસેમ્બરની સાંજે એરિઝોનાના કોકોનિનો કાઉન્ટીમાં વુડ્સ કેન્યોન લેક ખાતે દુર્ઘટના બની હતી. એરિઝોનના આ થીજી ગયેલા તળાવ પર ફરતી વખતે બરફ તૂટવાની દુર્ઘટના બની હતી. જેના કારણે લોકો ઠંડા પાણીમાં ગરકાવ થયા હતા .
મૃતકો ચાંડલર એરિઝોનામાં રોકાયા હતા
આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી. જ્યા સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી ઓળખ કરવામાં આવી છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર, નારાયણ મુદ્દાના અને ગોકુલ મેડિસેતી તેમજ હરિથા મુદ્દાના નામની મહિલાનું પાણીમાં ગરકાવ થવાથી મોત નિપજયા છે જે તમામ મૃતકો ચાંડલર એરિઝોનામાં રોકાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
બે કલાક બાદ મળ્યા મૃતદેહ
વધુમાં સત્તાવાર રીતે જાહેર થયા પ્રમાણે પોલીસે હરિથા નામની મહિલાને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમે તેનો જીવ બચાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લીધા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નિવડતા મહિલાનો મોત થયું હતું. ત્યારબાદ અકસ્માતે તળાવમાં પડેલા નારાયણ અને ગોકુલની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી, જેમના મૃતદેહ એક દિવસ પછી મળી આવ્યા હતા.
અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની આશંકા
ઉલ્લેખનિય છે કે અમેરિકામાં બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે. આ બરફના તોફાનના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં લગભગ 50થી વધુ લોકોના મોત થયા છે. ઠંડીના કારણે અનેક પ્રાંતોમાં ફ્લાઈટ અને ટ્રેનો પણ રદ કરવાની નોબત આવી છે. એટલું જ નહીં, ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફ જમા થવાને કારણે ટ્રાફિકને અસર થઈ રહી હોવાનું પણ બહાર આવ્યું છે.