સેસ અને સરચાર્જથી કેન્દ્રની આવક પાંચ વર્ષમાં 111 ટકા વધી રૂ.4.58 લાખ કરોડને પહોંચી

છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ સેસ અને સરચાર્જમાંથી કેન્દ્ર સરકારની કમાણી 111% વધી છે. કેન્દ્ર વિવિધ કર પર સેસ અને સરચાર્જ વસૂલે છે. જો જીએસટી કમ્પેનસેશન સેસનો સમાવેશ કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2017-18માં સેસથી કેન્દ્રની કુલ કમાણી 2,17,004 કરોડ રૂપિયા હતી. ગયા નાણાકીય વર્ષ 2021-22માં તે વધીને 4,58,433 કરોડ રૂપિયા થઈ ગઇ છે. કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં સેસ અને સરચાર્જના રૂપમાં કુલ રૂ. 3,55,320 કરોડની કમાણી થવાની ધારણા છે. જે ગયા નાણાકીય વર્ષ 2021-22 કરતા 22% ઓછું છે.
દેશમાં 1 જુલાઈ 2017થી જીએસટી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યોના નુકસાનની ભરપાઈ કરવા માટે વધારવામાં આવેલ જીએસટી કમ્પેનસેશન સેસ સિવાય,સેસ અને સરચાર્જ હેઠળ મળેલી રકમ સીધી કેન્દ્ર સરકારને જાય છે. કેન્દ્ર સરકાર મીઠું, ખાંડ, તમાકુ સહિત કુલ 24 પ્રકારના સેસ લાદે છે. જીએસટી કમ્પેનસેશન સેસ આમાં સૌથી મોટો છે. જીએસટી કમ્પેનસેશન સેસ સિવાયના તમામ સેસ અને સરચાર્જમાંથી કેન્દ્રની કમાણી નાણાકીય વર્ષ 2017-18માં રૂ. 1,54,392 કરોડ હતી. ગયા નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં તે રૂ. 3,53,664 કરોડ સુધી પહોંચી ગઇ હતી જે 129% નો વધારો દર્શાવે છે.