કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે IMAના પ્રતિનિધિઓ અને દેશના 100 ડોકટરો સાથે કોરોના મુદ્દે બેઠક યોજી હતી. બેઠકમાં માંડવિયાએ ડો્કટરોને ખોટી માહિતી ન ફેલાવીને લોકોની સાચી માહિતી આપવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરોનવે કહ્યું કે તમારે લોકોને કહેવું જોઈએ કે સમયાંતરે જારી કરવામાં આવેલી સરકારી એડવાઈઝરીને અનુસરો. સોશિયલ મીડિયા અને અનધિકૃત ચેનલો દ્વારા ફેલાતી અફવાઓથી ગભરાશો નહીં. જો તમને તાવ, ગળામાં દુખાવો અને ખાંસી જેવા કોઈ લક્ષણો હોય તો તમારા ડોક્ટરની સલાહ લો.
જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવું
બેઠક બાદ IMAએ લોકોને જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમજ લોકોને વહેલી તક પ્રીકોશન ડોઝ લેવાની તથા અફવા પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરાઈ છે.
આવતીકાલે દેશભરની હોસ્પિટલોમાં મોકડ્રીલ
માંડવિયાએ કહ્યું કે, આવતીકાલે દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી પણ પોતાના સ્તર પર તેમાં ભાગ લેશે. મોકડ્રીલ દ્વારા, કોરોના સામેની આ લડતમાં દેશની હોસ્પિટલો કેવી રીતે તૈયાર થાય છે તેનું મૂલ્યાંકન શક્ય બનશે. તમામ રાજ્યોને મોકડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં રાજ્યોએ એ જોવાનું રહેશે કે તેઓ કોરોનાને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયાર છે. રાજ્યોની હોસ્પિટલોમાં કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શું હોસ્પિટલોમાં પીપીપીઇ કીટ છે? શું N95 મસ્ક છે? શું વેન્ટિલેટર છે? બેડની સંખ્યા કેટલી છે? અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા શું છે?




