સુરત પોલીસે 'નો પાર્કિંગ'માંથી ગાડી ઉઠાવતા જ યુવક-યુવતીનો હંગામો
સુરત શહેરના વરાછા-સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિંગ' માંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
જોકે, સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો હતો. આ સાથે જ યુવક કહી રહ્યો હતો કે, જો હું અધિકારી હોઉં તો સુરતમાં એકપણ લુખ્ખો ન હોય. આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ માફી માગી હતી.
સુરતના યોગીચોક વિસ્તારમાં યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાર્ક માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા 'નો પાર્કિંગ'માં પડેલા વાહનો ઉઠાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ગાડી ટોઈંગ કરવામાં આવતા ત્યાં હાજર યુવક અને યુવતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે યુવતી ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે જ ઉભી રહી ગઈ હતી અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો.
યુવકે મહિલા પોલીસને ધક્કો માર્યો અને વિવાદિત નિવેદન ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસકર્મીઓ અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસકર્મીને ધક્કો માર્યો હતો. યુવકે સિસ્ટમ પ્રત્યે રોષ ઠાલવતા વિવાદિત નિવેદન આપ્યું હતું કે, જો હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત, હું દેશ માટે પગાર પણ ન લઉં. મારે આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું.