પ્રોફેસરોની પીએચડી ગાઈડશિપના વિષયની ફરી તપાસ થશે, અમાન્ય સબ્જેક્ટ રદ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં BUT (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની મિટિંગ મળી હતી. આ બેઠકમાં પીજીના જુદા જુદા અભ્યાસક્રમ, પીએચ.ડીની ગાઈડશિપ સહિતના જુદા જુદા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સૌથી મહત્ત્વનો મુદ્દો પીએચ.ડી ભણાવતા પ્રોફેસરોની ગાઈડશિપનો રહ્યો હતો. જેમાં યુનિવર્સિટીના તમામ ભવનો અને કોલેજોના જેટલા પણ પીએચ.ડીના ગાઈડ છે એમની ગાઈડશિપના વિષયની રિવાઈઝ તપાસ કરવામાં આવશે.
અનુસંગિક વિષયો એટલે કે મુખ્ય વિષય સાથે પેટા વિષય સિવાયના એવા વિષયો કે જે ગાઈડના વિષયથી તદન જુદા છે તે વિષયની માન્યતા રદ કરવામાં આવશે. પીએચ.ડીના ગાઈડ તેમના મુખ્ય વિષય અને ઇન્ટર ડિસિપ્લિનરી વિષય સિવાયના કોઈપણ વિષય ઉપર ગાઈડશિપ ધરાવતા હશે તો તે અન્ય વિષયની ગાઈડશિપ રદ કરવામાં આવશે તેવો નિર્ણય બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બીયુટીની મિટિંગમાં પીજીના જુદા જુદા અભ્યાસક્રમ અને કોર્સની મંજૂરી આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આવી રીતે સમજો | કઈ ગાઈડશિપ રદ થવા પાત્ર થશે
ધારો કે કોઈ એક પ્રોફેસર પાસે કોમર્સની ગાઈડશિપ છે તો તેઓ કોમર્સના વિષયો ઉપરાંત ઇન્ટર ડિસિપ્લિનરી વિષય તરીકે એમબીએની ગાઈડશિપ રાખી શકે છે, પરંતુ તે આર્ટસના કોઈ વિષયની ગાઈડશિપ રાખી શકે નહીં. એવી જ રીતે સ્ટેટેસ્ટિકના પ્રોફેસર હોય તો તે આંકડાશાસ્ત્ર ઉપરાંત ગણિત વિષયમાં પીએચ.ડી કરાવી શકે પરંતુ તેઓ સાયન્સના વિષય ઉપર પીએચ.ડી કરાવી શકે નહીં. પોતાના વિષય સિવાયના અન્ય વિષયોની ગાઈડશિપ લીધી હશે તેમની ગાઈડશિપ રદ કરવામાં આવશે.
અધ્યાપકો અગાઉ અન્ય વિષયોમાં પણ Ph.D કરાવી દેતા!
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક અધ્યાપકો પોતે જે વિષયમાં નિષ્ણાત છે કે જે વિષયની ગાઈડશિપ પોતાની પાસે છે તે સિવાયના વિષયોમાં પણ વિદ્યાર્થીઓને પીએચ.ડી ભણાવતા અને વિદ્યાર્થીઓ પીએચ.ડી થઇ પણ જતા હોવાનું પણ લોલંલોલ ચાલી રહ્યું હતું. એટલા માટે જ બીયુટીની મિટિંગમાં ગાઈડશિપ રિવાઈઝ ચેક કરવા નિર્ણય લીધો છે.