એસ.ટી. ડેપોમાં બસનો ડ્રાઇવર દારૂના નશામાં ઝડપાયો

એક તરફ GSRTC દ્વારા એસ.ટી. બસને સલામત સવારી કહેવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં બસનો ડ્રાઇવર જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાની ઘટના બની છે. ગઇકાલે મહિલા કંડક્ટરે ફોન કરી વડોદરા પોલીસ કંટ્રોલમાંથી જાણ કરી હતી કે, પાદરા એસટી ડેપોની બસ (GJ 18 Z 5065)નો ડ્રાઇવર હાથીભાઇ ફતાભાઇ ઠાકોર (રહે. નવીબાર ગામ. તા. વીરપુર. જી. મહીસાગર) દારૂના નશામાં છે. જેથી સયાજીગંજ પોલીસ વડોદરા એસટી ડેપો ખાતે પહોંચી હતી અને બસના ડ્રાઇવર હાથીભાઇ ઠાકોરને નશાની હાલતમાં પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમા તળાવ પાસે ગર્ભવતી પત્નીને પતિએ માર માર્યો
વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતી રૂપાબેન સલાટ નામની મહિલા રમકડા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પતિ રાજુભાઇ કોઇ કામ ધંધો કરતો નથી. દરમિયાન પતિ રાજુએ પત્ની પાસે જૂનો મોબાઇલ માંગ્યો હતો. પતિએ અગાઉ પણ બે વખત તેના મોબાઇલ વેચી નાખ્યા હોવાથી તેણે મોબાઇલ આપવાનો ઇન્કાર કર્યો હતો.જેથી ઉશ્કેરાયેલા પતિએ ગર્ભવતી પત્ની પેટ પર લાતો મારી હતી. તેમજ બચાવવા વચ્ચે પુત્ર આવતા તેને પણ માર માર્યો હતો. જેથી આજુબાજુ લોકોના ટોળા એકત્ર થઇ જતાં કોઇએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી જતા પતિ રાજુ ફરાર થઇ ગયો હતો. તેમજ મહિલાને સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલમાં ખસેડી હતી. જેથી મહિલાએ તેના પતિ સામે વાડી પોલીસ સ્ટેશનમાં મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
ખોડિયાનગરમાં સિદ્ઘેશ્વર ઓનેસ્ટના ફ્લેટમાંથી દારૂ જપ્ત
હરણી પોલીસે બાતમીના આધારે ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સિદ્ઘેશ્વર ઓનેસ્ટ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ફ્લેટમાંથી 1 લાખ 90 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વિનોદભાઇ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ ગંગવાણી અને સોનું નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારુ કુરિયર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સયાજી હોસ્પિટલમાં પાર્ક ઇકો કારનું સાયલેન્સર ચોરાયું
ભરૂચના જોલવા ગામના રહેવાસી રમેશભાઇ ગણપતભાઇ ગોહિલ ગત 15 જાન્યુઆરીના રોજ પત્નીનું ઓપરેશન હોવાથી ઇકો કાર લઇ સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમણે કાર પોસ્ટમોર્ટમ રૂમ સામે પાર્ક કરી હતી. બીજા દિવસે આવીનો જોયું તો ઇકો કારનું સાયલેન્સર ચોરાઇ ગયું હતું અને તેના સ્થાને જૂનુ સાયલેન્સર લગાવી ચોર ફરાર થઇ ગયા હતા. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મોટાભાઇએ નાના ભાઈની કુહાડી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના ખંડેલા ગામે નિંગલાલ પરિવારના બે સહોદર વચ્ચે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. તેના કાયમી ઉકેલ માટે મોટાભાઈએ કુહાડી મારી નાના ભાઈની હત્યા કરી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુરા તાલુકાના ખંડેલા ગામે રહેતા અજયસિંહ નિંગલાલનો નાનો દીકરો માધવ 24 જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા, ત્યારે મોટાભાઈ સાથે પારિવારિક ઝઘડો થયો હતો. જેમાં મોટાભાઈએ ઉશ્કેરાઈને નાનાભાઈ માધવને કુહાડી મારી દેતા ઘરમાં લોહીનો ફુવારો છૂટ્યો હતો. માધવ બેહોશ થઈનેજમીન પર પડી ગયો હતો. ગ્રામજનો તેને અલીરાજપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં માધવની હાલત નાજુક જણાતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માધવનું મોત નીપજ્યું હતું. નાનપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકોટા ચાર રસ્તા પાસે રિક્ષાચાલકે મહિલાની છેડતી કરી
વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે પસાર થતી 40 વર્ષિય મહિલાને રિક્ષાચાલકે રિક્ષામાં બેસવા જણાવતા મહિલાએ ઇનકાર કર્યો હતો. આ દરમિયાન રીક્ષા ચાલકે મહિલાનો હાથ પકડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે અકોટા ગામ ખાતે રહેતા રિક્ષાચાલક સલીમની અટકાયત કરીને આરોપીના કોવિડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી છે.