દીકરો PM બન્યો પણ મા હીરાબા માટે તો સૌથી મોટી ક્ષણ તો કંઈક બીજી હતી, PM મોદીએ ખુદ કર્યો હતો ઉલ્લેખ
માં કે જેની માટે ગમે તેટલાં શબ્દો વિચારો તો પણ ઓછાં પડે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. જેના લીધે ખુદ PM મોદી આજે ગાંધીનગર આવ્યા હતા.

જ્યાં તેઓએ ગાંધીનગરના સેક્ટર-30 ખાતે માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ તેઓ તુરંત પશ્ચિમ બંગાળના વિકાસકાર્યોના લોકાર્પણમાં જોડાઇ ગયા હતા. જેમાં તેઓએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.

PM મોદીએ ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, 'એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. મે માતાને જોઈને હંમેશા ત્રિમૂર્તીનું અનુભવ કર્યું છે.. જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.'
PM મોદી કે જેઓ પહેલા ગુજરાતના સીએમ હતા અને બાદમાં પીએમ બન્યા બાદ જ્યારે પણ તેમને મોકો મળતો ત્યારે તેઓ પોતાની માતાને મળવા ગુજરાત પહોંચી જતા અને તેમના આશીર્વાદ લેતા. દરમ્યાન માતા તેમને પોતાના હાથે ખવડાવે, પાણી આપે. તમે તસવીરોમાં પણ જોયું હશે. પરંતુ શું તમે જાણો છો કે PMની માતા માટે સૌથી મોટી ક્ષણ ત્યારે હતી કે જ્યારે તેઓ દેશના વડાપ્રધાન બન્યા ન હતા પરંતુ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જેનો ખુદ PM મોદીએ ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ સંભળાવ્યો હતો આ કિસ્સો
પીએમ મોદીએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની માતા માટે સૌથી મોટો પ્રસંગ તેઓ જ્યારે પીએમ બન્યા ત્યારે નહીં પરંતુ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા ત્યારે હતો. થોડા વર્ષ પહેલા PM મોદીએ કહ્યું હતું કે તેઓ સીએમ તરીકે શપથ લેતા પહેલા માતાના આશીર્વાદ લેવા આવ્યા હતા. દરમ્યાન PMએ કહ્યું કે, 'ઘણા લોકો મને પૂછે છે કે જ્યારે હું પીએમ બન્યો ત્યારે મારી માતાને કેવું લાગ્યું. એ સમયે મારી તસવીરો પ્રકાશિત થઈ રહી હતી, ચારેબાજુ ભારે ઉત્તેજના હતી. પરંતુ મને લાગે છે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મારી માતા માટે એ સૌથી મોટી ઉપલબ્ધિ હતી.'
'હ્યુમન્સ ઓફ બોમ્બે' સોશિયલ મીડિયા પેજ પર પ્રકાશિત એક મુલાકાતમાં PM મોદીએ કહ્યું હતું કે તેઓ એ સમયે દિલ્હીમાં રહેતા હતા કે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓને ગુજરાતમાં મોટું પદ મળવાનું છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા, તેઓએ પોતાની માતા સાથે મુલાકાત કરી હતી. જ્યાં હીરાબા તેમના ભાઈ સાથે રહેતી હતી. PM મોદી જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે જશ્નનો આરંભ થઈ ગયો હતો. હીરાબેન મોદીને પહેલેથી જ ખબર હતી કે તેમનો પુત્ર રાજ્યનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે.

તું હવે ગુજરાત આવી જઇશ...
PM મોદીએ કહ્યું કે, 'માએ મારી તરફ જોયું અને મને ગળે લગાડીને કહ્યું કે સૌથી સારી વાત એ છે કે તું હવે ગુજરાત પાછો આવી જઇશ. આ એક માતાનો પ્રેમ છે. શું થઈ રહ્યું છે તેની તેને કંઈ પરવા નથી. તે બાળકને પોતાની નજીક જોવા ઇચ્છે છે.'

ત્યાર બાદ PM મોદીની માતાએ તેમને એક મંત્ર પણ આપ્યો હતો કે જેને તેઓએ હંમેશા યાદ રાખ્યો. વડાપ્રધાને કહ્યું કે, '...તેણે કહ્યું હતું કે જુઓ ભાઈ, મને ખબર નથી કે તું શું કરીશ? પણ મને વચન આપ કે ક્યારેય તું લાંચ નહીં લે. આ પાપ ક્યારેય ના કરતો.' PM મોદીએ કહ્યું હતું કે માતાના આ શબ્દોનું ખૂબ મહત્વ છે. એક મહિલાએ જ્યારે પોતાનું આખુંય જીવન ગરીબીમાં વિતાવ્યું અને જેની પાસે ક્યારેય ભૌતિક સુખ-સુવિધાઓ ન હોતી. તે મને લાંચ ન લેવાની સલાહ આપી રહી હતી.

મારી માતાને કોઈ કહેતું કે મને નોકરી મળી ગઈ છે ત્યારે તે આખા ગામમાં મીઠાઈ વહેંચતી
મોદીએ વધુમાં કહ્યું હતું કે, પહેલાના સમયમાં જ્યારે મારી માતાને કોઈ કહેતું કે મને નોકરી મળી ગઈ છે ત્યારે તે આખા ગામમાં મીઠાઈ વહેંચતી. આવી સ્થિતિમાં તેમને CM-વીએમથી કંઇ ફરક ન હોતો પડતો. PM મોદીના પિતાની ચાની દુકાન હતી અને તેઓ રેલવે સ્ટેશન પર ચા વેચતા. વડાપ્રધાનના પિતા દામોદરદાસ મોદીનું જ્યારે 1989માં અવસાન થયું ત્યાર બાદ હીરાબાએ જ આખા પરિવારની સારસંભાળ લીધી હતી. આજે તેમની માતાના અવસાન બાદ PMએ લખ્યું કે, 'જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી કે જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો પવિત્રતાથી.'