18 સરકારી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવ્યા, 6 હજાર વિદ્યાર્થીને લાભ

શાળા, શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ન માત્ર સરકાર મદદ કરી રહી છે, પરંતુ કેટલીક સામાજિક સંસ્થાઓએ પણ શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું બીડું ઝડપ્યું છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલિત અને જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પૂરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું કાર્ય કરે છે.
આ પ્રવૃત્તિનો લાભ હાલમાં રાજકોટની 18થી વધુ શાળામાં અભ્યાસ કરતા 6000 જેટલા વિદ્યાર્થીને 25થી વધારે તાલીમબદ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડિયો-વિઝ્યુઅલ લર્નિંગ મટિરિયલ અને 550 જેટલા લેપટોપ અને કમ્પ્યૂટર દ્વારા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટની 18 મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓના બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે મોબાઇલ જેવા સાધનોની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
નીઓ રાજકોટ ફાઉન્ડેશન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને યુવાઓ અને કલાપ્રેમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ પ્રવૃત્તિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન ‘પ્રયાસ’ અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબદ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામી છે.
આ ઉપરાંત કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં આ સંસ્થા દ્વારા કોવિડ રિલીફ કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં માતબર રકમના જીવન રક્ષક ઉપકરણો પહોંચાડવામાં આવ્યા હતા. સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છૂટવાના ધ્યેયથી આ સંસ્થા કામ કરી રહી છે.