SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જેને લઇ રાજ્યના તમામ BLO કર્મચારી આજે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે.
કેબિનેટ મંત્રી સરકારી હોસ્પિટલ દોડી ગયા મૃતકના પરિવારજનો અનશન પર ઉતરી ગયા હતા. ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી સાથે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય, એસ.પી. જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. દરમિયાન પરિવારજનોની માગ સંદર્ભે નગરપાલિકા કચેરી ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો.