સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવનાર રાશિદ રાજસ્થાનથી ઝડપાયો
16 ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું. અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા-જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આ જ ઇચ્છાઓનો ગેરલાભ ઉઠાવીને રાશિદ ખાન નામના શખસે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી નકલી વેબસાઈટ બનાવી હતી.
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સાસણમાં સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હોવાની મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વન વિભાગના અધિકારીની ફરિયાદ નોંધાવ્યા મુજબ જે પ્રવાસીઓએ જંગલ સફારી કરવા સિંહ સદનમાં રોકાવા માટેની ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અને તે રિસીપ્ટ વન વિભાગને બતાવતા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, સિંહ સદનમાં રોકવા માટે આવી કોઇ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી.
વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યો નથી ગત તારીખ 7 નવેમ્બર 2025ના સાસણ ગેસ્ટ હાઉસ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને વ્યવસ્થા અપાય છે. જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી. અને ના તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે.