શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે

25 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભોળાનાથને રિઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે ત્યારે ત્યાં જવા માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 50 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં દૈનિક 25,000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આ દરમિયાન શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં 50નો વધારો થશે અને તેથી દૈનિક 2500 મુસાફરોને ફાયદો થશે.
રાજકોટથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા તેમજ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસમાં વધારો કરવામાં આવશે. શ્રાવણ મહિનાના સોમવારે શ્રદ્ધાળુઓ માટે સોમનાથની એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દ્વારકા જતી એસટી બસમાં પણ વધારો કરવામાં આવશે.
આ સાથે જ મુસાફરો માટે GSRTCમાં ઓનલાઇન રિઝર્વેશનની પણ સુવિધા છે. જેમાં www.gsrtc.in પર મુસાફરો ટિકિટ બુકિંગ કરી શકે છે. આ સાથે જ GSRTCની મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ ટિકિટ બુકિંગ થઈ શકશે. જેમાં 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ થઈ શકે છે. જેથી જે મુસાફરોને તહેવારો દરમિયાન એસટી બસ મારફત કોઈ જગ્યાએ જવાનું હોય તો તેના માટે એડવાન્સ બુકિંગ પણ મુસાફરો કરાવી શકે છે.