શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ દોડી ગઈ હતી. જ્યારે ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલા પણ બનાવ સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી પૂજાબેન ધવલભાઈ મકવાણા (ઉ.વ.20) ગઈ તા.20 ના પોતાની ઘરે હતી ત્યારે રાતના 8 વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ પરિવારજનો દોડી આવતાં 108 ને જાણ કરી હતી.
દોડી આવેલ 108 ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.જે. જાડેજા ટીમ સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૃતકનું માવતર જસદણનું જસાપર ગામ છે.તેમના લગ્ન છ માસ પહેલા થયા હતા. બનાવની જાણ થતા ગોંડલ ડીવાયએસપી કે.જે.ઝાલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.