શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ
ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 200થી વધુ સુપરવાઇઝર અને શિક્ષકોને જિલ્લા પ્રાંત કચેરી ખાતે મોડી રાત સુધી કામગીરી માટે બોલાવવામાં આવતા શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ તંત્ર ચોકસાઈ અને ઝડપનો દાવો કરે છે, તો બીજી તરફ શિક્ષક સંગઠનો આ પદ્ધતિને કારણે રાજ્યના શિક્ષણકાર્ય પર ગંભીર અસર પડતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
'શિક્ષણ ખોરંભે ચઢ્યું, બાળકો શિક્ષણ વગરના રખડી પડ્યા' અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ અયોગ્ય કાર્યપદ્ધતિ સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગીયાએ મીડિયા સમક્ષ શિક્ષકોની વ્યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, BLOની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો જોડાયેલા છે. આ શિક્ષકો સવારના 8 વાગ્યાથી લઈને સતત ફિલ્ડમાં SIR ફોર્મનું વિતરણ અને એકત્રીકરણ કરે છે. આખો દિવસ થકવી નાખનારી ફિલ્ડ વર્ક કર્યા છતાં, તેમને મોડી રાત્રે પ્રાંત કચેરી ખાતે ડેટા એન્ટ્રી માટે બોલાવવામાં આવે છે.