શહેરમાં શરદી-ઉધરસ-તાવનાં દર્દીઓમાં વધારો થયો
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. જેને લઈને શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજકોટમાં વિવિધ રોગના 2382 કેસ નોંધાયા મનપાએ આજે જાહેર કરેલા સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓમાં શરદી-ઉધરસનાં 1314 કેસ અને તાવના 865 કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં 198 કમળાનાં 2 અને ડેંગ્યુનાં 3 સહિત વિવિધ રોગના મળી કુલ 2,382 કેસ નોંધાયા છે. આમ મનપાનાં આંકડાઓ મુજબ પણ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓ વધ્યા છે. છેલ્લા ત્રણેક સપ્તાહથી એટલે કે શિયાળાની શરૂઆતથી આ કેસો સતત વધી રહ્યા છે. આ પહેલા ગત સપ્તાહે શરદી ઉધરસનાં 1048 અને તાવના 856 કેસો હતા. એ પહેલાં 10 નવેમ્બરે શરદી ઉધરસના 807 અને સામાન્ય તાવના 717 કેસો સામે આવ્યા હતા. આ રીતે જોઈએ તો છેલ્લા ત્રણેક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો ડબલ જેટલા થયા છે. આમ પ્રદુષણનો આંક વધે તેની સાથે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થાય છે. તો લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.