શાપર-વેરાવળમાં બ્રિજથી 2 લાખ લોકોને મૂશ્કેલીની ભીતિ, અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળની ચિમકી
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઉભી થાય તેમ છે. જેને લઈને 500થી વધુ ગ્રામજનોએ આજે ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જતા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બરાબર મુશ્કેલી પડે તેમ છે.
આ ઉપરાંત ક્રાઈમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે. ત્યારે જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન કરવાની અને દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ ખાતે જવાની પણ તૈયારી બતાવી છે.
શાપર વેરાવળ ગામ એકતા સમિતિના પ્રમુખ અને વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે અમારા તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો સાથે કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છીએ. નેશનલ હાઈવે ઓથોરિટીની જે તાનાશાહી ચાલી રહી છે તેના વિરુદ્ધમાં અઠવાડિયા પછી અનશન આંદોલન કરવામાં આવશે. જે બાદ પણ અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કહ્યું છે કે, આ બ્રિજનું કામ બંધ કરાવવા માટે તમારે દિલ્હી જવું પડશે તો તેના માટે પણ અમે તૈયાર છીએ.
'અમારું જંકશન 250 મીટરથી આશરે 2 કિલોમીટર દૂર જતું રહેશે' નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ ડિઝાઈન બતાવવા માગતી નથી અને સ્થળ ઉપર આવવા તૈયાર નથી. 2 લાખ લોકોને આ સમસ્યા અસર કરે છે. અહીં 4000 ફેક્ટરી અને 500 ટ્રાન્સપોર્ટ આવેલા છે. અત્યારે અમારો જે બ્રિજ છે તેના ઉપર ઓવરલેપિંગ કરીને ઉપર લઈ જવામાં આવે તો અમારું જંકશન જે 250 મીટર છે જે આશરે 2 કિલોમીટર જઈ શકે તેમ છે. જેથી એક અઠવાડિયામાં નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે.