‘જજોના નામોને સરકારી મંજૂરીમાં મોડું થતાં વરિષ્ઠતા બગડી રહી છે’

સુપ્રીમકોર્ટે જજોની નિમણૂક મુદ્દે સોમવારે સરકારની કાર્યવાહી મુદ્દે આકરી ટિપ્પણી કરી. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે કોલેજિયમની ભલામણોમાંથી સરકાર કેટલાંક નામને મંજૂર કરે છે, જ્યારે કેટલાકને રોકી રહી છે. તેના કારણે જજોની વરિષ્ઠતા (સિનિયોરિટી) બગડી રહી છે. આ નામોની ભલામણ વખતે સુપ્રીમકોર્ટ અનેક પાસાં ધ્યાનમાં રાખે છે.
જસ્ટિસ કૌલે કહ્યું કે, આવું જ ચાલ્યા કરશે તો સિસ્ટમ કેવી રીતે ચાલશે? કોલેજિયમ સિસ્ટમને લઈને વાંધો હોઇ શકે છે, પરંતુ જ્યાં સુધી તેનું અસ્તિત્વ છે, તે દેશનો કાયદો છે. કાયદામંત્રી કિરેન રિજીજુ તરફથી એક કાર્યક્રમમાં કોલેજિયમ સિસ્ટમની ટીકા પછી સુપ્રીમકોર્ટની આ ટિપ્પણી આવી છે. રિજીજુએ કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ જનભાવના વિરુદ્ધ છે. એવી આશા કેવી રીતે રાખી શકાય કે, કોલેજિયમે સૂચવેલાં તમામ નામને સરકાર લીલી ઝંડી આપી દે.
શું છે મામલોઃ સુપ્રીમકોર્ટ કોલેજિયમ તરફથી 11 નામને સરકારની મંજૂરી નહીં મળતાં બેંગલુરુ એડવોકેટ એસોસિયેશને અવમાનનાની અરજી કરી છે.
અન્ય દેશોમાં વ્યવસ્થા... અમેરિકાઃ સેનેટની સંમતિ પછી અમેરિકન પ્રમુખ નિમણૂક કરે છે. ત્યાં જજોની નિવૃત્તિની કોઈ ઉંમર નથી. બ્રિટનઃ સ્વતંત્ર જ્યુડિિશયલ એપોઈન્ટમેન્ટ કમિશન. તેમાં ત્રણ જજ અને 12 અન્ય લોકો સામેલ હોય છે. દ. આફ્રિકાઃ ત્યાં 23 સભ્યોનું કમિશન હોય છે. બ્રાઝિલ-આર્જેન્ટિનાઃ અહીં પ્રમુખ સેનેટમાં પારિત નામ પ્રમાણે જજોની નિમણૂક કરે છે.
શું મંજૂરી નહીં આપવા પાછળ સરકારની NJAC સામેની નારાજગી છે?
જસ્ટિસ કૌલઃ લાગે છે કે એનજેએસીને મંજૂરી નહીં આપવાના કારણે સરકાર નાખુશ છે. એટલે શું કોલેજિયમનાં નામોને સરકાર મંજૂરી નથી આપતી? સિનિયર વકીલ વિકાસ સિંહઃ કાયદામંત્રી કહે છે કે સરકાર ફાઈલો નથી રોકતી, તેઓ કહે છે કે, સુપ્રીમકોર્ટ નિમણૂક કરે અને સિસ્ટમ ચલાવે. જસ્ટિસ કૌલઃ ઉચ્ચ હોદ્દા ધરાવનાર પાસેથી આવાં નિવેદનની આશા ન હતી. એજી-એસજી અમારી વાત સરકારને પહોંચાડે. અમે અવમાનનાની નોટિસ જારી નથી કરતા. એટર્ની જનરલ વેંકટરામાનીઃ મંત્રાલયોના સચિવો સાથે વાત થઇ છે. ન્યાયતંત્ર-સરકાર વચ્ચે ચાલતો તણાવનો ઝડપથી ઉકેલ લાવીશું. સોલિસિટર જનરલ તુષાર મહેતાઃ હું સુપ્રીમકોર્ટને અપીલ કરું છું કે તેઓ મીડિયા રિપોર્ટ (કાયદામંત્રી રિજીજુનું નિવેદન) ધ્યાનમાં ના લે. શું છે કોલેજિયમ સિસ્ટમ? તેમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને સુપ્રીમકોર્ટ ચાર અન્ય વરિષ્ઠ જજ સામેલ હોય છે. હાઈકોર્ટના જજોની નિમણૂકમાં ચીફ જસ્ટિસ અને અન્ય બે વરિષ્ઠ જજની પેનલ હોય છે. હાઈકોર્ટ તે સૂચનો સીજેઆઈને મોકલે છે. 1981નો ફર્સ્ટ જજ કેસઃ સુપ્રીમકોર્ટમાં જજોની નિમણૂકમાં કાર્યપાલિકાની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. 1993નો સેકન્ડ જજ કેસઃ જજોની નિમણૂકમાં ચીફ જસ્ટિસને પ્રાથમિકતા આપવાનો આદેશ. 1998નો થર્ડ જજ કેસઃ કોલેજિયમ સિસ્ટમથી જ સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિમણૂકો થાય.